(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૨
વડોદરા શહેરમાં ટ્રાફિક શાખા દ્વારા ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકો પાસેથી વર્ષ ૨૦૦૯ થી લઇને ૨૦૧૭ સુધીના નવ વર્ષના ગાળામાં ટ્રાફિખ શાખાએ વાહન ચાલકો પાસેથી દંડ સ્વરૂપે અત્યાર સુધીમાં બધી મળીને કુલ કેટલા દંડની રકમ વસુલી તેની અને તે રકમમાંથી કયા કામની પાછળ કેટલો ખર્ચો કર્યો તેની વિગતો મેળવવા માટે સામાજીક કાર્યકર અને આરટીઆઇ એકટીવીસ્ટ અંબાલાલ પરમારે આસી. પોલીસ કમિશ્નર, ટ્રાફિક શાખા સમક્ષ આરટીઆઇ કરીને તેની માહિતી માંગી હતી તેના પગલે ટ્રાફિક શાખા તરફથી આપેલી માહિતી મુજબ ટ્રાફિક શાખાએ વર્ષ ૨૦૦૯ થી ૨૦૧૭ સુધીના સમય ગાળામાં રૂા.૫૦.૩૪ કરોડ ઉપરાંત જેટલાનો દંડ વસુલયો હોવાની વિગતો આરટીઆઇમાં આપી છે અને આ રકમ સરકારી ફંડમાં જમા કરવામાં આવે છે અને આ રકમમાંથી કોઇ ખર્ચ કરવામાં આવતો નથી તેમ દર્શાવ્યુ છે. તેમ અંબાલાલ પરમારે જણાવ્યું છે. અને તેમણે આ મુદ્દે વધુમાં એવું પણ જણાવ્યું છે કે એક તરફ રાજ્ય સરકાર એવું જણાવે છે કે આ ફંડમાંથી ટ્રાફિક શાખાની સુવિધાઓ અને સાધન સામગ્રીઓ ખરીદવા માટે તેમજ પોલીસ કર્મીઓના વેલફેરની પાછળ ખર્ચવામાં આવે છે તો બીજી તરફ ટ્રાફિક શાખા તેવું જણાવે છે કે આ ફંડમાંથી કોઇ ખર્ચ કરવામાં આવતો નથી તેની સામે અનેક સવાલો ઉભા થાય છે તેમ અંબાલાલ પરમારે જણાવીને સામે તેવા પણ સવાલો કર્યા છે કે પોલીસ કર્મીઓના વેલફેર માટે આ રકમ રૂા.૫૦,૩૪,૩૫,૪૦૫- વપરાતી નથી. ઉપરાંત પોલીસ કર્મીઓનો રજાનો પગાર પણ છેલ્લા છ માસથી ચુકવાયેલો નથી તેમજ પોલીસ કર્મીઓને તેમના પ્રશંસનીય કામગીરીઓની સામે ઇનામ સ્વરૂપે આપવામાં આવતી રોકડ ઇનામની જાહેરાત કરવામાં આવે છે પરંતુ તે રકમ પણ તેઓને ચુકવાતી નથી તેમ અંબાલાલ પરમારે જણાવ્યું છે.