(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૧૩
બીપીએલ કાર્ડ ધારકોનાં રેશનકાર્ડ સાથે આધારકાર્ડ લીંક થતું ન હોવાનાં કારણે રેશનીંગની દુકાનનાં સંચાલકો દ્વારા અનાજ આપવામાં આવતું ન હોવાથી રોષે ભરાયેલા કાર્ડ ધારકોએ આજે હુજરાતપાગા સ્થિત પુરવઠા વિભાગની ઝોનલ કચેરી ખાતે ભારે હોબાળો મચાવી મુકી અધિકારીઓ અને કર્મચારીઓને તેઓની કચેરીમાં પુરી દીધા હતા.
પ્રાપ્ત થતી વિગત અનુસાર સરકાર દ્વારા બીપીએલ કાર્ડ ધારકોને રેશનીંગમાં અનાજ, કેરોસીન જેવો જથ્થો પુરો પાડવામાં આવે છે. સરકારે રેશનીંગ પુરવઠામાં થતી ગેરરીતિઓ રોકવા માટે કુપન સીસ્ટમ અમલમાં મુકી છે. આ કુપન સીસ્ટમમાં લાભાર્થીઓને રેશનકાર્ડ સાથે આધાર કાર્ડ લીંક કરાવવું ફરજીયાત છે. આધારકાર્ડ રેશનકાર્ડ સાથે લીંક થતું ન હોઇ, સસ્તા અનાજની દુકાનની સંચાલકો દ્વારા અનાજ આપવામાં આવતું નથી. કાર્ડ ધારકોને આ બહાને છેલ્લાં કેટલાક દિવસથી પુરવઠા કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ ધક્કા ખવડાવી રહ્યાં હોઇ, અનાજથી વંચિત હોઇ, આજે કાર્ડ ધારકો હુજરાતપાગા સ્થિત પુરવઠા કચેરી ખાતે પહોંચી ગયા હતા. જ્યાં સરવર ડાઉન છે તેવા જવાબો આપવામાં આવતા મોટી સંખ્યામાં ઉશ્કેરાયેલા કાર્ડધારકોએ હોબાળો મચાવી મુકયો હતો. કાર્ડધારકોના ગંભીર પ્રશ્નોને ન્યાય આપવા માટે સામાજીક કાર્યકર ચંદ્રીકાબેન સોલંકી પહોંચી ગયા હતા. અને તેમની આગેવાનીમાં અધિકારીઓને રજુઆત કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, સરવર ડાઉન છેલ્લાં ઘણા સમયથી પ્રશ્ન છે. પરંતુ તંત્ર દ્વારા ઉકેલ લાવવામાં આવતું નથી. જેને કારણે આધાર કાર્ડ લીંક ન થવાથી દુકાનનાં સંચાલકો ગરીબ લોકોને અનાજ ફાળવતા નથી. જેથી ઉશ્કેરાયેલ કાર્ડ ધારકોએ અધિકારીઓ અને કર્મચારીઓ તેમની કચેરીમાં દરવાજો બંધ કરી પુરી દીધા હતા.