વડોદરામાં ફૂટપાથો અને ફ્લાય ઓવરબ્રિજ નીચે દિવસો પસાર કરતા ગરીબો

(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૮
કોરોના વાયરસની મહામારીને રોકવા માટે લોકડાઉન કરવામાં આવ્યું છે. પોલીસ તંત્ર દ્વારા લોકડાઉનના માર્ગો, સોસાયટીઓ અને પોળોમાં ચુસ્ત અમલ કરાવવામાં આવી રહ્યો છે. પરંતુ ફૂટપાથ અને બ્રિજ નીચે રહેતા લોકો માટે તંત્ર દ્વારા રેઈન બસેરાની વ્યવસ્થા કરવામાં આવી નથી. મુખ્ય માર્ગોના ફૂટપાથો અને ફ્લાય ઓવર નીચે હજારો લોકો દિવસો પસાર કરી રહ્યા છે. જાહેરમાર્ગો ઉપર રહેતા લોકોએ આક્ષેપ કર્યો છે કે, અમને પણ કોરોના વાયરસનો ડર લાગે છે. પરંતુ અમારે ક્યાં ઘર છે ? અમને સલામત સ્થળે રહેવાની કે જમવાની તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. વડોદરાના આજવા-વાઘોડિયા રિંગરોડ ઉપર લેપ્રેસી મેદાનની દીવાલને અડીને છૂટક મજૂરિયાત વર્ગના ર૦ જેટલા લોકો પરિવાર સાથે રહે છે, તે જ રીતે વાઘોડિયા રોડ ઉપર ૧૦ જેટલા લોકો પરિવાર સાથે રહે છે. આ ઉપરાંત નેશનલ હાઈવે ઉપર કપુરાઈ ચાર રસ્તા ફ્લાય ઓવર નીચે તેમજ નેશનલ હાઈવે ઉપર આજવા ચાર રસ્તા ફ્લાય ઓવર નીચે પ૦ જેટલા લોકો પરિવાર સાથે રહે છે. આ સાથે આજવા રોડ ઉપર પણ લોકો ખુલ્લા મેદાનોમાં ઝૂંપડા બાંધીને પરિવાર સાથે રહ્યા છે. જાહેરમાં નાના બાળકો સાથે રહેતા લોકોની મુલાકાત લેતા રેખા નામની મહિલાએ જણાવ્યું હતું કે, અમને પણ કોરોના વાયરસનો ડર લાગે છે. અમે છૂટક મજૂરીકામ કરીને ગુજરાન ચલાવતા હતા. પરંતુ જ્યારથી લોકડાઉન કરવામાં આવ્યું છે, ત્યારથી મજૂરીકામ બંધ થઈ ગયું છે. અત્યાર સુધી જમવાનું પણ લોકો આપી જતા હતા. પરંતુ બે દિવસથી આવવાનું બંધ થઈ ગયું છે. પાલિકાના સાહેબો નામો લખી ગયા છે. તેઓએ કહ્યું હતું કે, જમવાનું તમને મળી જશે, પરંતુ સલામત સ્થળે રહેવાની વ્યવસ્થા અંગે કંઈ જણાવ્યું નથી. નેશનલ હાઈવે ઉપર કપુરાઈ બ્રિજ નીચે રહેતા હમીર સલાટે જણાવ્યું હતું કે, અમે બ્રિજ નીચે પરિવાર સાથે રહીએ છીએ. તંત્ર દ્વારા રહેવા માટેની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. અમને પણ કોરોના વાયરસનો ડર લાગે છે. તમે જોઈ શકો છો કે, લોકો કેવી રીતે રહે છે ? અહીં તંત્ર દ્વારા કોઈ દવાનો પણ છંટકાવ કરવામાં આવ્યો નથી. બે દિવસ પૂર્વેના દિવસોમાં લોકો જમવાનું પણ આપી જતા હતા. પરંતુ બે દિવસથી જમવાનું પણ આપવાનું બંધ થઈ ગયું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks