વડોદરા, તા.૨
વડોદરા શહેરના નર્મદા ભવન સ્થિત વિધવા સહાય પેન્શનની કચેરી ખાતે છેલ્લા નવ મહિનાથી વિધવા બહેનો સહાયનો લાભ મેળવવા માટે ધરમ ધક્કા ખાવાનો વારો આવ્યો છે. કચેરીમાં કર્મચારીઓ સર્વર ડાઉન હોવાનું જણાવી રોજ ધક્કા ખવડાવતા રોષે ભરાયેલી બહેનોએ આક્રોશ દર્શાવી વિરોધ વ્યક્ત કર્યો હતો.
વડોદરા શહેરના નર્મદા ભવન સ્થિત બીજામાળે આવેલ વિધવા સહાય પેન્શનની કચેરી ખાતે છેલ્લા નવ મહિનાથી પેન્શનનો લાભ મેળવવા માટે વિધવા બહેનો ધક્કા ખાઈ રહી છે. જેઓની વેદનાને વાચા આપવા એક પણ કાર્યકર કે નેતા એ મુલાકાત કરી નથી. વિધવા પેન્શનના રૂપિયા ૧૨૫૦નો લાભ લેવા પોસ્ટ ઓફિસે પહોંચતી વિધવા બહેનોને નર્મદા ભવન કચેરીના ધરમ ધક્કા ખાવાનો વારો આવ્યો છે. ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીઓ સર્વર ડાઉન હોવાનું જણાવ્યું સરખા જવાબ ન આપતા હોવાની રજૂઆત વિધવા બહેનોને કરી છે. ફેબ્રુઆરી ૨૦૨૦ બાદ તેઓને વિધવા સહાય પેન્શનનો લાભ ન મળતાં આર્થિક પરિસ્થિતિ કફોડી હોવા છતાં છેલ્લા નવ મહિનાથી રિક્ષાઓના ભાડા ખર્ચી નર્મદા ભવન પહોંચવું પડે છે.
લાભાર્થી ઇન્દિરાબેને જણાવ્યું હતું કે ફેબ્રુઆરી માસ બાદ પેન્શન મળ્યું નથી અને નર્મદા ભવન ખાતે આવેલી વિધવા સહાય પેન્શન કચેરીમાં બેસેલા કર્મચારીઓ સરખા જવાબ ના આપી રોજ ધક્કા ખવડાવે છે. અન્ય લાભાર્થી સુવર્ણા પાટીલે જણાવ્યું હતું કે વિધવા સહાય પેન્શન દર મહિને ૧૨૫૦ રૂપિયા મળે છે પરંતુ છેલ્લા નવ મહિનાથી તે ન મળતા આર્થિક સંકડામણ ઊભી થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ સમસ્યા ઉપરાંત પણ નર્મદા અને કુબેર ભવન કચેરી ખાતે અરજદારો અને લાભાર્થીઓ આવી સમસ્યાઓથી કંટાળી એજન્ટનો શિકાર બનતા હોવાના કિસ્સા પણ સામે આવ્યા છે.