વડોદરામાં શિયાળામાં પાણીનો કકળાટ તાંદલજાના રહીશોએ માટલા ફોડી વિરોધ કર્યો

(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.૫
શહેરમાં અનેક વિસ્તારોમાં શિયાળામાં પીવાનું પાણી નહીં મળતું હોવાની બૂમો ઉઠવા પામી છે. પીવાના પાણીના કકળાટ સામે તાંદલજા વિસ્તારનાં રહીશોએ વડીવાડી પાણીની ટાંકીની કચેરીએ માટલા ફોડી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જ્યારે છાણીના ભાથુજી નગરની વિસ્તારની મહિલાઓએ પણ સેવાસદનનાં તંત્ર સામે નારાજગી દર્શાવી સુત્રોચ્ચારો કર્યા હતા. વડોદરા શહેર સ્માર્ટ સીટી બનાવવા સેવાસદન તંત્ર ઇમારતોને તોડી માર્ગોને પહોળા કરી રહ્યું છે. સ્માર્ટ સીટીના નામે કરોડો રૂપિયાના પ્રોજેકટો શરૂ કરવામાં આવી રહ્યાં છે. પરંતુ શહેરની પ્રાથમિક સુવિધા એવા પીવાના પાણી માટે ઘણા વિસ્તારના રહીશો વલખા મારી રહ્યાં છે. શહેરનાં તાદલજા વિસ્તારના આશીયાના નગર, કાળી તલાવડી સહિતની સોસાયટીઓમાં છેલ્લાં ૧૫ દિવસથી પીવાનું પાણી નહીં આવતું હોવાની ફરિયાદો ઉઠી છે. આ વિસ્તારનાં લોકો પીવાનું પાણી નહીં આવતું હોવાથી ભારે હેરાન પરેશાન થઇ ગયા છે. સેવાસદનને પાણી વેરો ચુકવતા હોવા છતાં વિસ્તારમાં પાણી મળતું ન હોવાથી લોકો પૈસા આપીને પાણી ખરીદી રહ્યાં છે. પીવાનું પાણી નહીં આવતું હોવા અંગે સેવાસદનનાં અધિકારીઓને રજુઆતો કરવા છતાં આ સમસ્યાનો ઉકેલ નહીં આવતા સ્થાનિક મહીલાઓનો મોરચો યુથ કોંગ્રેસના પ્રમુખ અસ્ફાક મલેક, બસીર પટેલ, સુહાનાબાનુ સૈયદ, નજીર દિવાન, દિલાવર મલેકની આગેવાનીમાં આજે વડીવાડી પાણીની ટાંકી ખાતે પહોંચ્યો હતો. જ્યા હાજર અધિકારીઓને પાણી અંગે રજુઆતો કરી હતી. મહિલા મોરચાએ ભારે હલ્લાબોલ મચાવી માટલા ફોડી સેવાસદન સામે વિરોધ નોંધાવ્યો હતો. છાણીના ભાથુજી નગરમાં પણ છેલ્લા કેટલાક સમયથી પીવાનું પાણી નહીં મળતા સ્થાનિક રહીશોમાં સેવાસદન સામે રોષ ભભુકી ઉઠયો છે. આજે સ્થાનિક મહીલાઓએ વિસ્તારમાં ભેગા મળી સેવાસદન સામે સુત્રોચ્ચાર કરી પીવાના પાણી અંગે દેખાવો કર્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks