(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૬
માત્ર ૩ ઇંચ વરસાદને પગલે શહેર પાણી-પાણી થઇ ગયું હતું. શહેરનાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. શહેરના અકોટા ગામમાં પાણી ફરી વળતા તરાપા પર બેસીને બાળકોએ સ્કુલે જવું પડે તેવો ઘાટ સર્જાયો હતો.
શહેરમાં છેલ્લાં કેટલાક દિવસોથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રવિવારે રાતથી શરૂ થયેલો વરસાદે આજે સવારે જોર પકડયું હતું. આજે સવારે ધોધમાર પડેલા વરસાદને પગલે શહેરનાં રાવપુરા, દાંડિયાબજાર, દિવાળીપુરા, માંજલપુર, વાઘોડિયા રોડ સહિતનાં વિસ્તારોમાં રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા. જેને કારણે નોકરી-ધંધા પર જતાં લોકો અટવાઇ ગયા હતા. જોરદાર પડેલા વરસાદને પગલે ઠેર-ઠેર ભરાયેલા પાણીને કારણે ટ્રાફીક જામનાં દ્રશ્યો સર્જાયા હતા. શહેરનું અકોટા ગામ તો બેટ માં ફેરવાઇ ગયું હતું. ગામની બહાર નિકળવાનાં રસ્તા ઉપર પાણી ભરાઇ જવાને કારણે સ્કુલે જતાં વિદ્યાર્થીઓને તરાપાનો સહારો લેવો પડયો હતો. ૩ ઇંચ વરસાદમાં જ જનજીવન પર અસર થવા પામી હતી. જોરદાર વરસેલા વરસાદને કારણે નિચાણવાળા વિસ્તારોમાં આવેલ કેટલીક દુકાનો અને મકાનોમાં પણ પાણી ઘૂસી ગયા હતાં.