(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૨
વારસીયા સંજયનગરની વસાહત તોડી પાડયા બાદ મહાનગર સેવાસદને પીપીપી ધોરણે બિલ્ડરને પાણીના મૂલે આપી દીધેલી જમીનમાં રૂા.બે હજાર કરોડનું કૌભાંડ જગ બત્રીસીએ ચડયું છે. વિરોધ પક્ષ કોંગ્રેસે આ કૌભાંડ માટે લોકજાગૃતિ ઉભી કરવા શેરી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. આ અંગે વિગતવાર માહિતી આપવા આજે શહેર કોંગ્રેસે પત્રકાર પરિષદ બોલાવી તપાસ અહેવાલ રજૂ કરવા સાત દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે.
શહેર કોંગ્રેસના પ્રમુખ પ્રશાંત પટેલ (ટીકો) મનપામાં વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, પ્રવકતા શૈલેષ અમીને સંજયનગરની જમીન અંગે થયેલા કૌભાંડ અંગે ચોંકાવનારી વિગતો આપતા જણાવ્યું હતું કે, મનપાના અધિકારીઓ અમને કાગળો નથી આપતા. જમીનને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ (પીપીપી) ધોરણે નારાયણ રીયાલીટી પ્રા.લી.ને પાણીના મૂલે વેચી મારવામાં આવી છે. જ્યારે પ્રોજેકટ મેનેજમેન્ટ કન્સલટન્ટ તરીકે વાપકોસ લીમીટેડ નામની કંપનીને ટેન્ડર પ્રક્રિયાની કામગીરી કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. જે કેન્દ્ર સરકારની એક એજન્સી છે વાસ્તવમાં જગ્યા વધુ છે પણ કાગળ ઉપર ઓછી દર્શાવી બિલ્ડરને ફાયદો કરાવ્યો છે. જમીનની એફએસઆઇમાં પણ બિલ્ડરને લાભ કરાવવા મનપાના લાગતા વળગતા અધિકારીઓએ ખેલ પાડયો છે. આ કૌભાંડ બહાર આવ્યું છતાં શહેરના સાંસદ, મેયર અને કમિશ્નર ચૂપ છે. સ્માર્ટ સીટીના નામે સત્તાધારીઓ અને અધિકારીઓ પ્રજાને મૂર્ખ બનાવી રહ્યાં છે.
તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે પુનમભાઇ પરમાર નામના ઉચ્ચ અધિકારીને તપાસ સોંપી છે. હજુ સુધી અહેવાલ આવ્યો નથી એટલે હવે અમે સાત દિવસનો સમય આપીએ છીએ જો સાત દિવસમાં અહેવાલ રજુ નહીં થાય તો અમે જન આંદોલન છેડીશું. આ મુદ્દે અમે દસ્તાવેજી પુરાવા સાથે મુખ્યમંત્રી અને વડાપ્રધાનને પણ મળી રજૂઆત કરીશું. આગામી વિધાનસભાની બેઠકમાં આ મુદ્દા ઉઠાવી સરકારને સવાલ કરીશું.
શહેર કોંગ્રેસ પ્રથમવાર ઉપરોકત કૌભાંડ અંગે આક્રમક મુડમાં છે. કૌભાંડના દસ્તાવેજી પુરાવા મેળવવા એડીચોટીનું જોર લગાવ્યું છે. પરંતુ અધિકારીઓ હજી સુધી ટસના મસ થતા નથી. મેયર અને કમિશ્નર જાણે લાચાર હોય તેવો દેખાવ કરી રહ્યાં છે. તપાસ અહેવાલ ક્યારે આવશે તેનું ઠેકાણું નથી. કૌભાંડને છાવરવા તપાસ અહેવાલ જો કોઇ નહિં આવે તો કોંગ્રેસ ન્યાયાલયના દ્વાર ખખડાવશે. બે હજાર કરોડના કૌભાંડમાં સત્તાધારી પક્ષ, અધિકારીઓની સંડોવણી હોવાથી સરકાર તપાસ અહેવાલમાં તેમને બચાવવા પ્રયત્ન કરશે તેવી પુરી શકયતાને લીધે વિરોધ પક્ષ જોરદાર લડત આપવા તેમના હથિયાર સજી રહ્યું છે.