(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૧૬
આણંદ તાલુકાનાં વડોદ ગામે જાદવ ફળીયા નજીક ગઈકાલે મોડીસાંજના સુમારે પતંગ તોડી લેવા બાબતે એક જ કોમના બે જુથો વચ્ચે અથડામણ થતાં બંને જુથો ઘાતક હથીયારો સાથે સામસામે આવી ગયાં હતાં અને એકબીજા ઉપર ભારે પથ્થરમારો કર્યો હતો. જેમાં પાંચ સખ્સો ઘાયલ થયાં હતાં. ઘટનાની જાણ થતાં વાસદ પોલીસે ઘટના સ્થળે દોડી જઈ બંને જુથના ટોળાઓને વીખેરી નાંખી મામલો થાળે પાડયો હતો. પોલીસે આ બનાવ અંગે બંને જુથનાં ર૩ આરોપીઓ વીરૂદ્ધ ગુનો નોંધી આજે વહેલી સવારે બંને જુથનાં દસ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
મળતી વીગતો અનુસાર વડોદ ગામે જાદવ ફળીયમાં રહેતાં સંજયભાઈ સોમાભાઈ જાદવ ગઈકાલે વાસી ઉતરાયણના દીવસે મોડી સાંજના સુમારે પોતાના ઘરના ધાબા પર પતંગ ચઢાવી રહ્યાં હતાં. ત્યારે હીતેસ પ્રવીણભાઈ મહીડાએ સંજયની પતંગ તોડી લઈ બારૈયા બારૈયા કરીને બુમો પાડી ઝઘડો કર્યો હતો. તેમજ સંજયભાઈએ તમારી પાસે પતંગ ન હોય તો અમારી પાસેથી લઈ જાવ તેમ કહી ગાળો બોલતાં બંને જુથો વચ્ચે બોલાચાલી થઈ હતી અને આ બોલાચાલી એ ઉગ્ર ઝઘડાનું સ્વરૂપ ધારણ કરતાં મહીડા અને જાદવ જ્ઞાતીના જુથો ઘાતક હથીયારો સાથે સામસામે આવી ગયાં હતાં અને ભારે પથ્થરમારો થયો હતો. જેમાં બંને જુથના પાંચ જણાં ઘાયલ થયાં હતાં. પથ્થરમારાને લઈને સમગ્ર વીસ્તારમાં નાસભાગ મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં વાસદ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પથ્થરમારો કરતાં બંને જુથોને વીખેરી નાંખી મામલો થાળે પાડયો હતો. જયારે સામા પક્ષે પ્રવીણસીંહ રામસીંહ મહીડાની ફરીયાદના આધારે ૫ોલીસે ગુનો નોંધી આજે સવારે બંને જુથના દસ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.