વર્લ્ડ ફેન્સિંગ ચેમ્પિયનશિપ : ઇઝરાયેલને હરાવીનેઇજિપ્તની ફેન્સિંગ ટીમે બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો

હોંગકોંગ ખાતે રમાયેલી રોમાંચક મેચમાં ઇજિપ્તનો ૩૯-૩૮થી વિજય; સ્ટાર ખેલાડી મોહમ્મદ અલ-સયેદે ઇઝરાયેલી પ્રતિદ્વંદ્વી સાથે હાથ મિલાવવાનો ઇન્કાર કર્યો

હોંગકોંગ, તા.૩૦
હોંગકોંગ ખાતે યોજાયેલી વર્લ્ડ ફેન્સિંગ ચેમ્પિયનશિપમાં ઈજિપ્તની પુરૂષ ફેન્સિંગ ટીમે ઈઝરાયેલ સામે અત્યંત રોમાંચક મેચમાં વિજય મેળવીને બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે. ઈજિપ્ત અને ફેન્સિંગ ફેડરેશનના ચાહકો માટે આ જીત અત્યંત ગૌરવપૂર્ણ ક્ષણ લઈને આવી છે, કારણ કે, વર્લ્ડ ચેમ્પિયનશિપના ઇતિહાસમાં ૭૫ વર્ષ બાદ ઈજિપ્તે આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે.પુરૂષોની ‘એપી’(epee) ટીમ ઈવેન્ટના આ બ્રોન્ઝ મેડલ મુકાબલામાં મોહમ્મદ અલ-સયેદ, મહમૂદ અલ-સયેદ, મહમૂદ મોહસિન અને યુસુફ શામેલની ટીમે શાનદાર રમત દર્શાવી હતી. છેલ્લી ક્ષણ સુધી ચાલેલા આ કડાકાભર્યા મુકાબલામાં ઈજિપ્તની ટીમે ઈઝરાયેલને માત્ર ૧ પોઈન્ટના અંતરથી એટલે કે ૩૯-૩૮થી માત આપીને મેડલ કબજે કર્યો હતો.મેચનો નિર્ણાયક પોઈન્ટ મેળવીને ટીમ માટે મેડલ પાકો કર્યા બાદ વિશ્વના નંબર-૧ એપી ફેન્સર મોહમ્મદ અલ-સયેદે ગંભીર ચહેરા સાથે પોતાના ખભા પરથી ધૂળ સાફ કરવાની મુદ્રામાં ખાસ સેલિબ્રેશન કર્યું હતું. વિજય બાદ તેણે ઈઝરાયેલી ખેલાડીઓ સાથે હાથ મિલાવવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો અને જમીન પર બેસીને આકાશ તરફ આંગળી ચીંધીને ભગવાનનો આભાર માન્યો હતો. ગાઝા યુદ્ધ અને મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે સોશિયલ મીડિયા પર આ જીત અને સેલિબ્રેશનની ભારે ચર્ચા થઈ રહી છે.આ ઐતિહાસિક સફળતા બાદ ઈજિપ્તના યુવા અને રમતગમત મંત્રી ગોહર નબીલે ઈજિપ્ત ફેન્સિંગ ફેડરેશનના પ્રમુખ અને વિજેતા ખેલાડીઓને ટેલિફોન કરીને રૂબરૂ અભિનંદન પાઠવ્યા હતા.નોંધનીય છે કે, આ ચેમ્પિયનશિપમાં ઈજિપ્તનો આ બીજો મેડલ છે. આ પહેલા મોહમ્મદ આમેરે પુરૂષોની વ્યક્તિગત ‘સેબર’ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ઈજિપ્તે છેલ્લે ૧૯૫૧માં ફેન્સિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેડલ જીત્યો હતો. ત્યાર બાદ આટલા દાયકાઓ પછી ટીમે આ દુર્લભ સિદ્ધિ મેળવીને ઈજિપ્તને આફ્રિકા અને MENA(મિડલ ઈસ્ટ અને નોર્થ આફ્રિકા) ઝોનમાં ફેન્સિંગ ક્ષેત્રે અગ્રણી દેશ તરીકે પ્રસ્થાપિત કર્યો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks