વેલિંગ્ટનના હેનરી સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજીT20I મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતની છ વિકેટની જીત બાદ, ઝડપી બોલર અર્શદીપ સિંહે એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે
તા.૨૮
વેલિંગ્ટનના હેનરી સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજીT20I મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતની છ વિકેટની જીત બાદ, ઝડપી બોલર અર્શદીપ સિંહે એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. અર્શદીપે તેના ચાર ઓવરના સ્પેલમાં ૩૩ રન આપીને એક વિકેટ ઝડપી હતી, જેનાથી ભારત યજમાન ટીમને ૨૦ ઓવરમાં ૧૯૮/૩ના સ્કોર પર રોકવામાં સફળ રહ્યું. આ વિકેટ સાથે અર્શદીપના નામે ૩૦T20I મેચોમાં કુલ ૩૯ વિકેટ થઇ ગઇ છે. હવે તેT20I ક્રિકેટમાં એક કેલેન્ડર વર્ષમાં ‘ફૂલ મેમ્બર’ (પૂર્ણ સભ્ય) દેશના બોલર તરીકે સૌથી વધુ વિકેટ લેવાના રેકોર્ડમાં સંયુક્ત રીતે ટોચ પર છે. તેણે આ મામલે આયર્લેન્ડના અને પૂર્વ ગુજરાત ટાઇટન્સના ઝડપી બોલર જોશુઆ લિટલની બરોબરી કરી છે, જેમણે ૨૦૨૨માં ૩૯ વિકેટ લીધી હતી. ૨૦૨૨માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યા ત્યારથી અર્શદીપ ભારતની બોલિંગ આક્રમણની ધરી રહ્યો છે. ડાબોડી ઝડપી બોલર અર્શદીપે અત્યાર સુધી ૧૦૨T20I મેચોમાં ૧૪૯ વિકેટ ઝડપી છે અને હવે તે ૧૫૦ વિકેટના સીમાચિહ્નથી માત્ર એક વિકેટ દૂર છે. તે T20I ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ છે. ન્યૂઝીલેન્ડ સામે ચાલી રહેલી પાંચ મેચોની શ્રેણીમાં અર્શદીપે ત્રણ મેચોમાં ચાર વિકેટ લીધી છે. તેણે પ્રથમ મેચમાં એક, બીજી મેચમાં બે અને ત્રીજી મેચમાં એક વિકેટ મેળવી હતી. મેચની વાત કરીએ તો, અભિષેક શર્માએ ન્યૂઝીલેન્ડના બોલિંગ આક્રમણને ધ્વસ્ત કરી નાખ્યું હતું. તેની આક્રમક બેટિંગ એટલી જોરદાર હતી કે ક્યારેક તો વૈભવ સૂર્યવંશી પણ માત્ર પ્રેક્ષક બનીને જોતા રહી ગયા હતા. મંગળવારે રમાયેલી ત્રીજી T20I મેચમાં ભારત છ વિકેટથી જીત મેળવીને શ્રેણી પોતાના નામે કરવામાં સફળ રહ્યું. વિશ્વના ટોચના ક્રમાંકિતT20I બેટરે ૩૮ બોલમાં શાનદાર ૧૧૩ રન ફટકાર્યા, જેમાં માત્ર ૧૫ બોલમાં પૂરી કરેલી અડધી સદીનો પણ સમાવેશ થાય છે. આ પ્રદર્શનની મદદથી ભારતે ૧૯૯ રનના મુશ્કેલ જણાતા લક્ષ્યાંકને સાવ સરળ બનાવી દીધો. ભારતીય ટીમે માત્ર ૧૩.૨ ઓવરમાં જ આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો. અભિષેકે ૩૫ બોલમાં પોતાની સદી પૂરી કરી અને ઉજવણી કરવા માટે પોતાની જાણીતી ‘ધ્યાન મુદ્રા’ (મેડિટેશન પોઝ) ધારણ કરી. તેની આક્રમક બેટિંગ જોઈને વિરોધી ટીમ અને પ્રેક્ષકો પણ સ્તબ્ધ થઇ ગયા હતા. આ સાથે ભારતે ન્યૂઝીલેન્ડની ધરતી પરT20Iશ્રેણી જીતવાની હેટ્રિક પૂરી કરી છે; અગાઉ ૨૦૨૦માં ભારતે ૫-૦થી અને ૨૦૨૨માં ૧-૦થી શ્રેણી જીતી હતી. ૧૫ વર્ષીય સૂર્યવંશીએ પણ આક્રમક બેટિંગ કરતા ૧૮ બોલમાં ૪૫ રન બનાવ્યા પરંતુ અભિષેકના પ્રદર્શન સામે તે થોડો પાછળ રહી ગયો. આ મેચમાં ભારતે પાંચ ઓવરમાં ટીમ તરીકે સૌથી ઝડપી ૧૦૦ રન પૂરા કરવાનો અને પાવર-પ્લેમાં અત્યાર સુધીનો સૌથી વધુ ૧૧૮ રનનો સ્કોર બનાવવાનો વિશ્વ રેકોર્ડ રચ્યો.