(એજન્સી) તા.૨
સતલુજ-યમુના લિન્ક (એસવાયએલ) કેનાલ પ્રોજેક્ટનો વિરોધ કરતાં વર્લ્ડ શીખ સંસદે રવિવારે ચેતવણી આપી હતી કે જો ભાજપ સરકાર આ પ્રોજેક્ટ પર આગળ વધશે તો તેઓ આ મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરશે. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે પણ વધુમાં ચેતવણી ઉચ્ચારી હતી કે જો આ પ્રોજેક્ટ પર કામગીરી આગળ વધારવાનો પ્રયાસ પણ કરવામાં આવશે કે તેના માટે બળજબરી કરાશે તો પંજાબ રાજ્ય ભડકે બળશે. ૨૬ દેશોના વર્લ્ડ શીખ સંસદના સભ્યોએ સતુલજ યમુના લિન્ક (એસવાયએલ) કેનાલ મુદ્દે એક કોન્ફરન્સ કોલનું આયોજન કરીને તેના પર ગંભીર ચર્ચા કરી હતી. તેઓએ જણાવ્યું કે પંજાબની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ નદીના પાણી અંગે ભારતની સુપ્રીમકોર્ટ વધુ એક આંચકાજનક ચુકાદો આપવાની તૈયારીમાં છે.
વર્લ્ડ શીખ સંસદે કહ્યું કે આપણે બધા આપણા સભ્યો સાથે તથા આપણા સહયોગીઓ સાથે મળીને આ મુદ્દાને આંતરરાષ્ટ્રીય સ્તરે પડકારીશું અને તેની સામે બધા એકજૂટ થઇશું. અમે ભારતની અંદર પણ આ મુદ્દાને પડકારીશું.
વર્લ્ડ શીખ સંસદે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આંતરરાષ્ટ્રીય રિપેરિયન લૉ અનુસાર પણ આ નદીઓના પાણી પર સૌથી પહેલો અધિકાર તો પંજાબ રાજ્યનો જ છે. તેઓએ કહ્યું કે દાયકાઓથી અમારા ક્ષેત્રમાંથી અમારા પાણીની ચોરી કરવામાં આવી રહી છે.
વધુમાં કહ્યું કે આ કારણોસર જ એક સામાન્ય પંજાબી વ્યક્તિએ તેના પર ચિંતા વ્યક્ત કરવી જોઇએ અને પોતાના પાણીને બચાવવો જોઈએ તથા પાણીની વહેંચણીથી થતી આવક શેર કરવી જોઈએ. શીખ સંસદે આ દરમિયાન કેટલાક પ્રસ્તાવ પણ પાસ કર્યા હતા.
શીખ સંસદે કહ્યું કે એસવાયએલ કેનાલનો મુદ્દો તમામ પંજાબીઓનો મુદ્દો છે. આ તેમના જીવનના અધિકારનો મામલો છે. આ મામલે વર્લ્ડ શીખ સંસદ તમામ સામાજિક સંગઠનો સાથે મળીને નેશનલ કોર્ટ ઓફ ઈન્ડિયામાં આ મામલાને પડકારશે.