અમદાવાદ, તા.રપ
શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં લૂંટ કેસના બે આરોપીઓનો, પોલીસે વરઘોડો કાઢીને લોકો પાસે માફી મંગાવી હતી. આરોપીઓએ ભેગા મળીને થોડા દિવસ અગાઉ જ લૂંટ કરી હતી. તેમજ આરોપીઓથી વિસ્તારના લોકો પરેશાન હતા ત્યારે પોલીસે આરોપીઓનો ખૌફ ઓછો કરવા તેમનો વરઘોડો કાઢીને શાનમાં સમજાવી દીધું હતું કે સત્તા આગળ સાણપણ ચાલે નહીં.
રામોલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ મહાદેવનગર વિસ્તારમાં મુકેશ ઉર્ફે દોલુ અને દિનેશગીરી ગોસ્વામીએ ભેગા મળીને લૂંટને અંજામ આપ્યો હતો. પોલીસે આ કેસમાં આરોપીની ધરપકડ કરી હતી. આ બંને આરોપીઓ આ વિસ્તારમાં લોકોને પરેશાન પણ કરતા હોવાની અવારનવાર ફરિયાદો થતી હતી. જેથી લોકોમાંથી આવા ગુનેગારોનો ડર હટે અને આરોપીને સબક મળે તે માટે ભર બજારે પોલીસે આરોપીનું સરઘસ કાઢ્યું હતું. આરોપીને જાહેરમાં લઈને નીકળતા લોકોના ટોળા ભેગા થવા લાગ્યા હતા. બીજી તરફ આરોપીથી પરેશાન લોકોને પણ આગળ આવવા માટે પોલીસે જાણ કરી છે. આરોપીઓ સામે ધાડ, મારામારી અને રાયોટિંગ જેવા ગુનાઓ દાખલ થયેલા છે. રામોલ પોલીસનું કહેવું છે કે આરોપીઓને કાયદાનો ભાન કરાવવા માટે તેમને લોકો પાસે લઈ જઈ માફી કરાવવામાં આવી હતી. તેમજ જાહેરમાં સરભરા કરાવવામાં આવી હતી જેથી લોકોનો પોલીસમાં વિશ્વાસ જળવાઈ રહે અને કોઈપણ અસામાજિક તત્ત્વો માથું ઊંચકી શકે નહીં.