વાગરા તાલુકાના ચાર ગામોની ગૌચરની જમીનના દસ્તાવેજ કરી દેવાતાં કલેક્ટરનો તપાસનો આદેશ

કોઠિયા, ભેંસલી, સડથલા અને વહિયાલ ગામની ૧૦૦થી વધુ ગૌચર જમીનના દસ્તાવેજ કરી લેવાતાં પશુપાલકોમાં રોષ

ત્રણ ગામોની ગૌચરની જમીન સરકારના હિતમાં નોંધ નામંજુર : વિજયસિંહ પરમાર (ઇ.ચા.મામલતદાર ,વાગરા.)
વાગરા તાલુકાના સડથલા, કોઠીયા અને ભેંસલી ગામની ગૌચર જમીનના દસ્તાવેજ મામલે ઇ.ચા મામલતદાર વિજયસિંહ પરમારે જણાવ્યુ હતુ કે, આ અંગે વાંધો રજૂ થતા તકરારી કેસ ચલાવવામાં આવ્યો હતો. જેમાં બન્નેવ પક્ષોની લેખિત તેમજ મૌખિક દલીલો સંભાળવામાં આવી હતી. રેકર્ડ ઉપર ગૌચરની જમીન નોંધાયેલ હોઇ સરકારના હિતમાં નોંધ નામંજૂર કરવામાં આવી છે.

કસુરવારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે : બી.એચ.મકવાણા (તાલુકા વિકાસ અધિકારી-વાગરા)
વાગરાના સડથલા,કોઠીયા,ભેંસલી અને વહિયાલ ગામની ગૌચર જમીનના દસ્તાવેજ મામલે તલાટી કમ મંત્રીઓને તપાસના આદેશ આપ્યા છે. તપાસના અંતે જો દસ્તાવેજ કરનાર અને કરી લેનાર કસૂરવાર ઠરશે તો તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. એમ વાગરા તાલુકા વિકાસ અધિકારી બી.એચ મકવાણાએ જણાવ્યુ હતું.

કસુરવારો સામે લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ કાર્યવાહી કરવામાં આવે : અજિતસિંહ રાજ
વાગરા તાલુકાના ચાર ગામોની સેંકડો એકર ગૌચરની જમીનના દસ્તાવેજ કરી દેવાયાનું ધ્યાન પર આવ્યુ છે. સમગ્ર મામલે ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવે અને કસુરવારો સામે લેન્ડગ્રેબિંગ એકટ મુજબ કાર્યવાહી કરવામાં આવે. જેનાથી રાજ્યમાં સરકારી જમીનો પચાવી પાડનારાઓમાં એક દાખલો બેસે. ગૌચરની જમીનના થયેલા દસ્તાવેજોને સરકાર દ્વારા રદ્દ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ ભારતીય કિસાન સંઘના જિલ્લા પ્રમુખ અજિતસિંહ રાજ દ્વારા કરવામાં આવી છે.

વાગરા, તા.૧૪
વાગરા તાલુકાના ચાર ગામોમાં ગૌચરની જમીનના દાસ્તાવેજ કરી દેવાતા સમગ્ર પ્રકરણ ટોક ઓફ ધી ટાઉન બની જવા પામ્યો છે. આ મામલે ભારતીય કિસાન સંઘ દ્ધારા કલેકટરને આવેદન પાઠવતા જિલ્લા સમહર્તા એ તપાસના આદેશ આપતા વાગરા પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. તપાસની ગતિવિધિઓ તેજ બનતા જમીન વેચનાર અને ખરીદનાર સામે કાયદાનો સિકંજો કસાય તેવું પ્રતીત થઈ રહ્યુ છે. વાગરા તાલુકામાં ઉદ્યોગોના વિકાસ અર્થે સરકારે ગોચરની સેંકડો હેકટર જમીન સંપાદન કરી લીધી હતી. જેથી ગૌચરની જમીનમાં ભારે ઘટાડો થવા પામ્યો છે. આટલેથી ઓછું હોય ત્યાંજ હવે વાગરા તાલુકાના કોઠીયા, ભેંસલી અને સડથલા ગામની ૧૦૦ હેકટરથી વધુ જમીનના દસ્તાવેજ કરી દેવાયા હોવાનું બહાર આવ્યુ છે. જેને પગલે જગતના તાત અને પશુપાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર મામલો કોઠીયા અને સડથલા ગામના મહિલા સરપંચોને ધ્યાને આવતા તેઓએ ખોટુ થયુ હોવાનું જણાતા મામલતદાર કચેરીમાં વાંધો આપ્યો હતો. બીજી તરફ ભારતીય કિસાન સંઘના જિલ્લા પ્રમુખ અજિતસિંહ રાજે કલેકટરને આવેદન પાઠવી તપાસની માંગ કરી હતી. જેને પગલે કલેકટરે જિલ્લા વિકાસ અધિકારીને તપાસના આદેશ કરતા ચકચાર મચી જવા પામી છે. કલેકટરે તપાસ કરી દસ્તાવેજ કરી આપનાર અને દસ્તાવેજ કરી લેનાર બંન્ને પક્ષો વિરુદ્ધ કાયદેસર ના પગલા લેવાના આદેશ ને પગલે સમગ્ર વાગરા પંથકમાં ખળભળાટ વ્યાપી ગયો છે.અત્રે ઉલ્લેખનીય છે કે ગૌચરની જમીનને કાયદાકીય રીતે રક્ષિત કરવામાં આવી હોવા છતાં આવી જમીનો પણ હવે સુરક્ષિત રહી નથી. ત્યારે હવે જોવુ રહ્યુ કે ગૌચરની જમીનમાં વહેલી તકે તપાસ આ ટોપી કસુરવારો સામે કાયદાનો ગાળિયો ફિટ થશે….?? કે કેમ એ તો આવનારો સમય જ બતાવશે. હાલ તો ગૌચર જમીનોના દસ્તાવેજોનું પ્રકરણ વાગરા પંથકમાં ટોક ઓફ ધી ટાઉન બનવા પામ્યો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts