(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.૨૨
કેનેડામાં કાયમી વસવાટ માટે વિઝા અપાવવાનો ભરોસો અને વિશ્વાસ આપી ડી કેમ્બ્રીસ ઇમીગ્રેશન પ્રા.લિ.ના સંચાલકોએ દશ જણા પાસેથી રૂા.૯.૮૫ લાખ પડાવી લઇ વિઝા નહીં અપાવી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ છેતરાયેલા એક યુવાને ગોત્રી પોલીસ મથકમાં દશ સંચાલકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત અનુસાર જેતલપુર રોડ પર આવેલ ઇન્ડિયા બુલ્સ મોલમાં ડી કેમ્બ્રીસ ઇમીગ્રેશન પ્રા.લિ.ની ઓફિસ આવેલી છે. આ કંપનીના અખબારોમાં કેનેડામાં કાયમી વસવાટ માટે વિઝા આપવાની જાહેરાતો આવતી હોવાથી અમદાવાદના આંબાવાડી વિસ્તારના સુમધુર એપાર્ટમેન્ટમાં રહેતાં ઋષિ અશોકભાઇ પટેલે ઓફિસનો સંપર્ક કર્યો હતો. જ્યાં તેઓ આ ઓફિસના સંચાલક દિવ્યેશ ચંદ્રકાન્ત, કેતન જશવંતલાલ શાહ, રાધિકા રાજેશભાઇ ચુડાસમા, નેહલ ઉપેન્દ્રભાઇ પટેલ, મોનીશ બેટકર તથા ઓર્થોરાઇઝ પર્સન, ઇન્દુબેન ચંદ્રકાન્ત પટેલ, રિતેશકુમાર પટેલ તથા હેતાબેન પરમાર અને નેહા પટેલ તેમજ સંજયભાઇને અવારનવાર મળ્યા હતા. આ દશ જણાએ ઋષિ પટેલને કેનેડામાં કાયમી વસવાત માટે વિઝા અપાવવાનો ભરોસો અને વિશ્વાસ અપાવ્યો હતો. આ કામ માટે ઋષિ પાસેથી આ ટોળકીએ રૂા.૧.૭૫ લાખ લીધા હતા. અન્ય સાત જેટલી વ્યકિતઓ પાસેથી પણ રૂા.૯.૮૫ લાખ લઇ લીધા હતા. રૂપિયા લીધા બાદ આ લોકોએ વિઝા નહીં આપતા છેલ્લાં બે વર્ષથી ઋષિ અને અન્ય લોકો પૈસાની માંગણી કરતા હતા. તેમ છતાં આ લોકો બહાના બતાવતા હતા. જેથી કંટાળી ગયેલા ઋષિએ દશ જણાં સામે ગોત્રી પોલીસ મથકનાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઉપરોકત દશે જણાં સામે વિશ્વાસઘાત અને છેતરપીંડીનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.