(સંવાદદાતા દ્વારા) સુરત, તા. ૧૯
કાપડ ઉદ્યોગમાં પ્રોસેસર્સને રિફંડ મળવાની પ્રક્રિયા શરૂ થયા બાદ વીવર્સે પણ પુનઃ ઇનપુટ ટેક્ષ ક્રેડિટ મેળવવા માટેની લડત તીવ્ર કરી છે. ગત રોજ ચેમ્બર ઓફ કોમર્સ તફરથી ગાંધીનગરમાં રજૂઆત કર્યા બાદ ફોગવાના સભ્યો દિલ્હીમાં કાપડ ઉદ્યોગ મંત્રી સહિત અન્ય મંત્રીઓને મળી રજૂઆત કરી હોવાનું જાણવા મળે છે.કાપડ ઉદ્યોગના સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર જીએસટી લાગૂ થયા બાદ અત્યાર સુધી વિવર્સને ઇનપુટ ટેક્ષ ક્રેડિટ આપવામાં આવ્યો નથી. વીવર્સનું કહેવું છે કે, યાર્ન પર ૧૨ ટકા ડ્યૂટી છે જ્યારે કાપડ પર ફક્ત ૫ – ૬ ટકા ડ્યૂટી ક્રેડિટ બચી જાય છે. અત્યાર સુધી સુરતના કાપડ ઉદ્યોગકારોનું પાંચસો કરોડનું અને દેશભરમાં વીવર્સનું એક હજાર કરોડ રૂપિયા સુધીનું ક્રેડિટ અટવાઇ ગયું છે. આ મુદ્દે અત્યાર સુધી વીવર્સ અનેક વાર સુરતના સાંસદ, મંત્રી સહિત કેન્દ્રના મંત્રીઓ સુધી રજૂઆત કરી ચૂક્યા છે. પરંતુ કેટલાક કારણોસર તેમની વાત સ્વિકારવામાં આવી નથી. પ્રોસેસર્સપણ આ રીતે ઇનપુટ ટેક્ષ ક્રેડિટ મુદ્દે પરેશાન હતા પરંતુ પાછલા મહિને તેમની માંગણી સ્વિકારવામાં આવી છે અને હાલ પ્રોસેસર્સને ટેક્ષ રિફંડ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પ્રોસેસર્સ ઇનપુટ ટેક્ષ ક્રેડિટ રિફંડ આપવામાં આવતા વિવર્સ સંગઠન ફરીથી સક્રિય થાય છે.
પાછલા શુક્રવારે વીવર્સે જીએસટી વિભાગ દ્વારા આયોજિત ઓપન હાઉસમાં જીએસટીના ઉચ્ચ અધિકારી યોગેન્દ્ર ગર્ગ સમક્ષ જોરદાર રજૂઆત કરી હતી અને ગુરૂવારે ફોસ્ટાના અશોક જીરાવાલા, આશિષ ગુજરાતી સહિત અન્ય પદાધિકારીઓ દિલ્હીમાં કાપડ મંત્રી સ્મૃતી ઇરાની સહિત અન્ય મંત્રીઓને મળી ઇનપુટ ટેક્ષ ક્રેડિટ મુદ્દે રજૂઆત કરી હતી. ફોગવાના અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, કાપડ મંત્રી સહિત ક્રેડિટ મુદ્દે રજૂઆત કરવામાં આવી છે.