વેચાણ, વિતરણ અને સંગ્રહ પરનો પ્રતિબંધ કાગળ પર જ છે ત્યારે ગુટકા, તમાકુ, નિકોટીનયુક્ત પાન-મસાલા પરનો પ્રતિબંધ વધુ એક વર્ષ લંબાવાયો

 

સરકારનો નિર્ણય આવકારદાયક પણ યુવાધનને બરબાદ થતાં બચાવવા કડકાઈ જરૂરી

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૪
રાજ્યમાં ગુટકા, તમાકુ અને નિકોટીનયુક્ત પાન-મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર હાલ પ્રતિબંધ છે. આ પ્રતિબંધને વધુ એક વર્ષ સુધી લંબાવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જો કે, રાજ્ય સરકારની નિયત ભલે સારી હશે. પરંતુ આ પ્રતિબંધની અત્યાર સુધી કોઈ અસર થઈ નથી. ગુટકા, તમાકુ, પાન-મસાલાનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે અને બંધાણીઓ તેમના જીવન સાથે ચેડાં કરી રહ્યા છે.
નાયબ મુખ્યમંત્રીએ આ અંગે વધુમાં જણાવ્યું કે, ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ અન્વયેના નિયમો તથા રેગ્યુલેશન-૨૦૧૧ હેઠળ આ પ્રતિબંધ મૂકાયો છે. જે હેઠળ કોઈપણ ખાદ્યચીજમાં તમાકુ કે નિકોટીન ઉમેરવું એ પ્રતિબંધ છે. ગુટકામાં તમાકું કે નિકોટીનની હાજરી હોવાથી માનવ આરોગ્યને ખૂબ જ નુકશાન થતું હોય છે જેથી નાગરિકો તથા ભાવિ પેઢીના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે ગુટકા પર પ્રતિબંધ મૂકવો જરૂરી હોઈ આ નિર્ણય કરાયો છે. રાજ્ય સરકાર દ્વારા ગુટકા કે પાન-મસાલા કે જેમાં તમાકુ કે નિકોટીનની હાજરી હોય તેના વેચાણ, સંગ્રહ વિતરણ પર પ્રતિબંધ માટે નિર્ણય કરેલ છે. આ નિયમનો ભંગ કરનાર સામે કડક હાથે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. તેેમણે વધુમાં જણાવ્યું હતું કે, શૈક્ષણિક સંસ્થાની ૧૦૦ વારની ત્રિજ્યામાં સિગારેટ તથા તમાકુ કે નિકોટીનની હાજરી હોય તેવા પદાર્થોનું વેચાણ કરવા માટે પ્રતિબંધનો અમલ તંત્ર દ્વારા સખત રીતે કરાઈ રહેલ છે. આ બાબતે છેલ્લા ત્રણ વર્ષમાં આરોગ્ય વિભાગના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આશરે ૧૦ હજાર પેઢીઓની તપાસ કરી આશરે રૂા.૧૧ લાખ જેટલો દંડ વસૂલાત કરવામાં આવેલ છે.
રાજ્ય સરકારનો આ નિર્ણય ખરેખર આવકારદાયક છે પરંતુ જો પ્રજાના સ્વાસ્થ્યની ખરેખર ચિંતા હોય તો આ પ્રતિબંધ કાયમી લાગુ કરી ગુટકા, પાન-મસાલા, તમાકુના બંધાણીઓને બરબાદ થતાં બચાવી લેવા જોઈએ. કારણ કે, આવા બંધાણીઓ રોજના ઓછામાં ઓછા ૩૦થી પ૦ રૂપિયા પોતાનું શરીર ખરાબ કરવા વેડફી નાખે છે. જ્યારે તેમના ઘરમાં હાંડલા કુસ્તી કરતા હોય છે. આથી બંધાણીઓ સાથે તેમનો પરિવાર પણ મુશ્કેલીઓમાં મૂકાઈ રહ્યો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks