(સંવાદદાતા દ્વારા) આમોદ, તા.૮
આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્રનું વિસ્તરણ કરી તેમાં આરોગ્યલક્ષી વિવિધ સુવિધાઓ વધારવા માટે આજ રોજ આમોદ નગરના વેપારી એસોસિએશન દ્વારા આમોદ નાયબ મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. આમોદ નગર ૫૪ ગામડાને જોડતું તાલુકા મથક છે.જેમાં આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્રનું વિસ્તરણ કરી તેમાં આરોગ્યલક્ષી સુવિધાઓ વધારવા માટે આમોદ વેપારી એસોસિએશને માંગ કરી હતી. આમોદમાં ખાનગી એક પણ નર્સિંગ હોમની સેવા ઉપલબ્ધ નથી જેથી ૧ માત્ર આરોગ્ય કેન્દ્ર લોકો માટે મહત્વનું છે. અને આરોગ્ય કેન્દ્રમાં ગાયનેક તબીબ તેમજ ડેન્ટિસ્ટ તબીબની જગ્યા ખાલી હોવાથી લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આરોગ્યલક્ષી સેવાઓ ઘર આંગણે ન મળતા લોકોને દૂર જવું પડતું હોય છે. જેથી પ્રજાનો કિંમતી સમય વેડફાઈ રહ્યો છે. જેથી સામૂહિક કેન્દ્રનું વિસ્તરણ કરી લોકોને સુવિધાઓ વધારવા માંગ કરવામાં આવી હતી. આ નિમિત્ત આમોદ નગર વેપારી એસો.ના નયન પટેલ, સમદ પટેલ, હશનભાઇ ડભોયા, મહેશભાઈ કાપડિયા, સુલતાનભાઇ ખત્રી, રાકેશ શીવમ અને વાદ્ય પટેલ તથા ગામના અગ્રણી ડી.કે. સ્વામી, મેહબુબ કાકુજી, મહેશભાઇ શાહ, પાર્થ પટેલ અને કમલેશ પટેલે હાજર રહી આમોદ આરોગ્ય કેન્દ્રમાં ગાયનેક અને ડેન્ટીસ ડોકટરની નિમણૂક કરવા બાબતે રજૂઆત કરવામાં આવી.