
દુબઈ, તા.૨૫
આઇસીસીએ મહાન રનર ઉસેન બોલ્ટને ૧થી ૨૯ જૂન સુધી વેસ્ટઇન્ડિઝ અને અમેરિકામાં રમાનાર આગામી ટી-૨૦ વિશ્વકપનો બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કર્યો છે. જમૈકામાં જન્મેલા બોલ્ટે ૨૦૦૮માં બેઇજિંગમાં યોજાયેલ ઓલિમ્પિક ગેમ્સમાં ઇતિહાસ રચ્યો હતો. જ્યારે તેણે વિશ્વ રેકોર્ડ સમયમાં ૧૦૦ મીટર, ૨૦૦ મીટર અને ૪૧૦૦ મીટર દોડ જીતી હતી. બોલ્ટના નામે વર્તમાનમાં ૧૦૦ મીટર, ૨૦૦ મીટર અને ૪૧૦૦ મીટરમાં ક્રમશઃ ૯.૫૮ સેકન્ડ, ૧૯.૧૯ સેકન્ડ અને ૩૬.૮૪ સેકન્ડના સમય સાથેનો વિશ્વ રેકોર્ડ છે. બોલ્ટ વિશ્વકપમાં પોતાના દેશ આવવા અને પોતાની નવી ભૂમિકાને લઈ ઉત્સાહિત છે. આઇસીસી દ્વારા જાહેર યાદીમાં બોલ્ટે કહ્યું કે, આગામી ટી-૨૦ વિશ્વકપનો દૂત બની રોમાંચિત છું. કેરેબિયન દેશો ક્રિકેટ જીવનનો એક હિસ્સો છે. આ રમત માટે હંમેશા મારા હૃદયમાં એક વિશેષ સ્થાન રહ્યું છે. બોલ્ટે કહ્યું કે, ક્રિકેટ માટે અમેરિકામાં બજાર શોધવું બહુ મોટી વાત હશે. તેણે કહ્યું કે, હું વિશ્વકપમાં વેસ્ટઇન્ડિઝનું સમર્થન કરીશ પણ આ રમતને અમેરિકામાં લાવવી ક્રિકેટ માટે મોટી વાત છે. આ વિશ્વનું સૌથી મોટું રમતનું બજાર છે. તેણે કહ્યું કે, ટી-૨૦ વિશ્વકપ માટે આપણે જે ઊર્જા લાવીશું તે ૨૦૨૮માં એલ.એ. ઓલિમ્પિકમાં ક્રિકેટને સામેલ કરવાની દિશામાં એક મોટી તક બનાવશે. વિશ્વકપના દૂત તરીકે બોલ્ટ આ આયોજનને પ્રોત્સાહન આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. જેની શરૂઆત આગામી સપ્તાહ દિગ્ગજ કલાકાર સીન પોલ અને ક્રિસની સાથે કાર્યક્રમના સત્તાવાર ગીતના રિલીઝમાં એક ‘કેમિયો’ સાથે થશે.