(એજન્સી) યુસ્ટન, અમેરિકા, તા.૨૫
કબ્જાગ્રસ્ત વેસ્ટ બેંક વિસ્તારમાં આતંકવાદી ઇઝરાયેલી વિસ્થાપિત યહૂદીઓના ટોળાઓ દ્વારા હુમલા અને હિંસાની ઘટનાઓ દિન-પ્રતિદિન વધી રહી છે. મંગળવારે દક્ષિણ વેસ્ટ બેંકમાં એક પેલેસ્ટીની નાગરિક મહેમુદ દરામીન પર આતંકવાદી યહૂદી વિસ્થાપિતોએ હુમલો કર્યો હતો. મહેમુદ પાલતુ પ્રાણીઓનું સંવર્ધન કરે છે અને તેને મોટા પ્રમાણમાં હિંસાનો સામનો કરવો પડ્યો હતો. ઘેટા બકરા રાખીને તેનું દૂધ વગેરે વેચીને પોતાની આજીવિકા કમાતા મહેમુદ ઉપર હિંસક હુમલો કરવામાં આવ્યો હતો અને તેના ઘેટા બકરાની પણ યહૂદી આતંકવાદીઓએ કતલ કરી નાખી હતી. તેના ઘરના બારી દરવાજા તોડી નાખવામાં આવ્યા હતા અને ઘરની મહિલાઓ અને બાળકો ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાઈ આવતું હતું કે હુમલાખોર આતંકી યહૂદીઓ લોખંડના મોટા પાઇપ સાથે પાલતુ જાનવરોને બેફામ રીતે માર મારી રહ્યા છે અને એમની હત્યા કરી રહ્યા છે. હવે અબોલ પશુઓ પણ હિંસાથી મુક્ત રહ્યા નથી એ સ્પષ્ટ બન્યું છે. કોઈ એક પેલેસ્ટિન પરિવાર પર હુમલો થયો હોય એવું બન્યું નથી પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં રોજેરોજ આવા હુમલા થતા રહે છે. ઓલિવના વૃક્ષોનો નાશ કરવામાં આવી રહ્યો છે અને આજીવિકા માટે જરૂરી એ વૃક્ષોને ગેરકાયદે વસાહતીઓ કાપી નાખે છે અને ઘેટા બકરાની પણ કતલ કરતા રહે છે. એમના માટેની ચરિયાણની જમીન ઉપર ઝેર નાખીને અબોલ પશુઓની કતલ કરવામાં આવી રહી છે. પેલેસ્ટીનની વસ્તી હોય એવા વિસ્તારો ઉપર પદ્ધતિસર આ પ્રકારના હુમલાની વ્યૂહરચના મુજબ કામ કરવામાં આવી રહ્યું છે અને હુમલા કરવામાં આવી રહ્યા છે તેમ મીડિયાના અહેવાલો જણાવે છે. ઓક્ટોબરમાં પણ મહેમુદ ઉપર આવો હુમલો થયો હતો અને તેના ઘેટા બકરાની ગેરકાયદે યહૂદી વસાહતીઓએ કતલ કરી નાખી હતી અને તેના સંખ્યાબંધ પરિવારજનોને પણ હુમલા ને કારણ ઇજાઓ થઈ હતી. આ ઘટના બની એ જ દિવસે જેનીનથી હેબ્રોન સુધી સ્થાપિત ગેરકાયદે વસી રહેલા યહૂદીઓએ હુમલા ચાલુ રાખ્યા હતા. એક તરફ ઇઝરાયેલની સરકાર વેસ્ટ બેંકમાં ગેરકાયદે યહૂદી વસાહતીઓની નવી નવી કોલોની ઉભી કરી રહે છે અને બીજી તરફ આ પ્રકારે હુમલા વધી રહ્યા છે જેના કારણે સમગ્ર વિસ્તારમાં એક નવી ગંભીર પરિસ્થિતિ ઉભી થઈ છે અને તનાવ ભડકી ઉઠ્યો છે. હઝરત યાકુબ અલયહી સલામ અને હઝરત યુસુફ તેમજ હજરત બિનયાંમીન અલીહિ સલામ તેમજ અન્યના જેમ ઐતિહાસિક મજાર આવેલા છે તેના વિસ્તરણના બહાને નવી નવી યહૂદી વસાહતો બનાવવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે અને આ કોઈ ધાર્મિક કામગીરી નથી પણ રાજકારણ છે તેમ માનવામાં આવે છે. જેનીનમાં એક સરસ ક્રિસમસ ટ્રી પણ સળગાવી નાંખવામાં આવ્યું હતું. આ રીતે વિસ્થાપિત યહૂદીઓ આ વિસ્તારમાં બેફામ બનીને હિંસા કરી રહ્યા છે.