(એજન્સી) તા.૨૦
જયલલિતાના એક વખતના શક્તિશાળી સખી શશીકલા નટરાજન હવે બેંગ્લુરુની જેલમાંથી મુક્ત થવાના આરે છે કારણ કે તેમના એક સંબંધીએ બુધવારે બેંગ્લોરની સિવિલ કોર્ટમાં રૂા.૧૦ કરોડના દંડની રકમ ચૂકવી દીધી છે.
જે કેસમાં દિવંગત જયલલિતા પ્રથમ આરોપી હતા. એ અપ્રમાણસર મિલકતોના કેસમાં શશીકલા, તેમના ભાભી ઇલા વરાસી અને ભત્રીજા સુધાકરન તેમની ચાર વર્ષની જેલની સજા હવે પૂરી થનાર છે. ટ્રાયલ કોર્ટે પ્રત્યેકને રૂા.૧૦ કરોડનો દંડ કર્યો છે અને તેઓ જો દંડ ભરવામાંં નિષ્ફળ જશે તો ત્રણેયને વધુ એક વર્ષ જેલની સજા કાપવી પડશે.
શશીકલાના વકીલ રાજા સેંતુર પાંડિયને જણાવ્યું હતું કે અદાલતે દંડની રકમ સ્વીકારી છે અને આદેશ કર્યો છે જે જેલ સત્તાવાળાઓને પણ પાઠવવામાં આવેલ છે. શરૂઆતમાં થોડો વિલંબ થયો હતો કારણ કે જજ એવું ઇચ્છતાં હતાં કે દંડની રકમ શશીકલાની અંગત ચીજવસ્તુઓ અને થાપણો દ્વારા આવવી જોઇએ, પરંતુ અમે જરુરી કાનૂની જોગવાઇને ટાકતાં તેમણે મંજૂરી આપી હતી. આથી શશીકલા ૨૭, જાન્યુ. સુધીમાં જેલમાંથી છૂટી શકે છે.
શશીકલા માટે દંડની રકમ તેમના નણદોઈ પલાની વેલ (રૂા.૩.૨૫ કરોડ) તેમના પત્ની વાસંતી દેવી (૩.૫૦ કરોડ) અને તેમના ભત્રીજા ડો.વેંકટેશના પત્ની હેમાએ (રૂા.૩ કરોડ) દંડ પેટે ચૂકવેલ છે. જ્યારે રૂા.૧૦૦૦૦ની વહીવટી ફી તેમના એક બીજા ભત્રીજા વિવેક જયરામને ચૂકવી હતી. વિવેક જયરામને પોતાના માતા ઇલા વરાસી માટે પણ દંડની રકમ ચૂકવી હતી. જો કે જયલલિતા દ્વારા જેમને પુત્ર તરીકે એક વખત દત્તક લેવામાં આવ્યાં હતાં એવા સુધાકરન પોતાના બંને ભાઇઓ ટીટીવી દિનાકરન અને ભાસ્કરન માટે દંડની રકમની વ્યવસ્થા કરવાની કોશિષ કરી રહ્યાં છે. જો તેઓ દંડ ભરવામાં નિષ્ફળ જશે તો તેને વધુ એક વર્ષ જેલમાં રહેવું પડશે. તામિલડનાડુના મુખ્ય પ્રધાન કે પલાની સ્વામીએ સ્પષ્ટતા કરી છે કે શશીકલાની મુક્તિની શાસક એઆઇએડીએમકે પર કોઇ અસર થશે નહીં કારણ કે પક્ષે તેમનાથી અને તેમના પરિવારથી છેડો ફાડી નાખ્યો છે.