શહેરના એલિસબ્રિજ વિસ્તારનો બનાવ બાઈક ઉપર આવેલા યુવકે છરી બતાવી વેપારીની કાર લૂંટી લીધી

અમદાવાદ,તા.ર૬

જો તમે કયાંક જતા  હોવ અને કોઈ વ્યકિત અચાનક તમારૂ વાહન રોકવાનું કહે તો ચેતી જજો. કેમ કે તે યુવક બીજુ કોઈ નહીં પણ લૂટારૂં હોઈ શકે છે. આવો જ એક બનાવ અમદાવાદ શહેરમાં બન્યો છે.

શહેરના માણેકબાગ વિસ્તારમાં શનિવારે રાત્રે ફર્નિચરના વેપારીને બાઈક પર આવેલા યુવકે ચપ્પુ બતાવી  કારની લૂંટ ચલાવી હતી. લૂંટ બાદ આ યુવક પોતાનું બાઈક સ્થળ પર મૂકીને જ ફરાર થઈ ગયો હતો. હાલ એલિસ બ્રિજ પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, સેટેલાઈટ વિસ્તારમાં પારિતોષ બંગલોમાં રહેતાં સુજનભાઈ શાહ  લાંભા ખાતે ફર્નિચર બનાવવાનું કારખાનું ધરાવે છે. શનિવારે રાત્રે તેઓ તેમના પિતાના નામની  કાર લઈને ગુલમહોર ઓરિસ ખાતે રહેતી સાળી હિરલ દેસાઈને ત્યાં પુત્રને લેવા માટે જતાં હતા.

આ દરમિયાન માણેકબાગ પાસે  નવયુગ સોસાયટી પાસે એક બાઈક ચાલકે તેમની કાર ઉભી રાખવા જણાવ્યું હતું. સુજનભાઈએ કાર સાઈડમાં ઉભી રાખતા બાઈકચાલક યુવક આવ્યો હતો અને તેમને અપશબ્દો બોલી કારની ચાવી કાઢી લઈ કારમાંથી નીચે ઉતરવા જણાવ્યું હતું. સુજનભાઈએ સવાલ પૂછતા યુવક ઉશ્કેરાયો હતો. અન્ય  એક વ્યક્તિએ આવી સમજાવવાનો પ્રયાસ કરતાં યુવકે તેમની સાથે તકરાર કરી અને સુજનભાઈને લાફો માર્યો હતો. જે બાદ કારના બોનેટ પાસે જઈ યુવકે પોતાની પાસેનું ચપ્પુ બતાવી હું વેજલપુરનો છું તને ખબર છે? તેમ કહ્યું હતું. જો કે ડરના માર્યા સુજનભાઈ દૂર ખસી જતાં યુવક પોતાનું બાઈક સ્થળ પર મૂકી કાર લઈને ફરાર થઈ ગયો હતો. હાલ એલિસબ્રિજ પોલીસે કાર લૂંટની આ ઘટના અંગે ગુનો નોંધ્યો છે. આ ઉપરાંત પોલીસે બાઈક પણ ચોરીનું હોવાની શંકાના આધારે આગળની તપાસ હાથ ધરી છે.

 

 

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks