અમદાવાદ, તા.૧૬
અસામાજિક તત્ત્વો તથા ગુનાહિત કૃત્ય કરનારાઓ મોબાઈલ ફોન કે એસટીડી/પીસીઓ દ્વારા સંપર્કમાં રહી શહેરની શાંતિ, સલામતી અને સુરક્ષાને ખલેલ પહોંચાડે છે. આ બાબત ધ્યાને આવતા અમદાવાદ શહેર પોલીસ કમિશનરે કાયદો અને વ્યવસ્થાની જાળવણીના હેતુસર મોબાઈલ ફોનના સીમકાર્ડ વિક્રેતાઓ અને એસટીડી/પીસીઓ ધારકો માટે જરૂરી સૂચનો ફરમાવ્યા છે. જે તા.૬/૨/૧૮ સુધી અમલમાં રહેશે. જેમાં મોબાઈલ ફોનના સીમકાર્ડ લેતી વખતે ખરીદનાર વ્યક્તિના માન્ય ઓળખપત્ર તથા રહેઠાણના દસ્તાવેજો ડિસ્ટ્રીબ્યુટર/રીટેલર વિક્રેતાઓએ બરાબર ચકાસવા તથા પુરાવાઓની ઝેરોક્ષ રાખવી. આ ઉપરાંત તે અંગેનું નામ-સરનામા, પુરાવાની માહિતીનું રજિસ્ટર રાખવું તથા એસટીડી/પીસીઓ ધારકોએ કોલરની આઈડેન્ટી ચકાસવા તેમજ કોલ ડિટેઈલના નામ-સરનામાની માહિતી અંગેના રજિસ્ટરો ત્રણ વર્ષ સુધી નિભાવવાના રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરાશે તેમ પણ વધુમાં જણાવ્યું છે.