શહેરની એસ.એચ.ખારાવાલા શાળામાં ફી વધારા સામે ભારે હોબાળો

અમદાવાદ, તા.૬
ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં આવેલી એસ.એચ.ખારાવાલા સ્કૂલમાં આજે અસહ્ય ફી વધારો ઝીંકી દેવાતાં શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના વાલીઓએ જોરદાર હોબાળો મચાવ્યો હતો. મોટી સંખ્યામાં વાલીઓના ટોળેટોળા સ્કૂલ સંકુલમાં ઘસી ગયા હતા. વાલીઓ ફી વધારો પાછો ખેંચવા માંગ કરી જોરદાર સૂત્રોચ્ચાર લગાવ્યા હતા. સ્કૂલ સત્તાધીશો દ્વારા રૂા.૧૯ હજારની ફીમાં મસમોટો વધારો ઝીંકી સીધી જ રૂા.૪૦ હજાર કરી દેવાતાં આટલા આકરા ફી વધારાને લઇ વાલીઓ વિફર્યા હતા. કોઇપણ સૂચના કે નોટિસ કે આગોતરી જાણ કે વાલીઓને વિશ્વાસમાં લીધા વિના અચાનક જ ફીમાં ૧૦૦ ટકાથી વધુનો વધારો કરી દેવાતા વાલીઓ આક્રોશિત બન્યા હતા અને સ્કૂલ પર ઉમટ્યા હતા. વાલીઓએ જોરદાર સૂત્રોચ્ચાર કરી તાત્કાલિક ધોરણે ફી વધારો પાછો ખેંચવા માગણી કરી હતી. શહેરની જાણીતી એસ.એચ.ખારાવાલા સ્કૂલ દ્વારા ફીમાં ૧૦૦ ટકાથી વધુનો તોતિંગ વધારો કરવામાં આવતા આજે વાલીઓ ખૂબ મોટી સંખ્યામાં એકસંપ થઇ સ્કૂલ પર પહોંચ્યા હતા અને ત્યાં જોરદાર રીતે હોબાળો મચાવ્યો હતો. શાળા દ્વારા બેફામ ફી વધારવામાં આવતા વાલીઓ પોતાના વિદ્યાર્થીઓ અને બાળકોને પણ સાથે લઇને પહોંચ્યા હતા. વાલીઓએ જોરદાર રીતે સ્કૂલ સંચાલકો વિરૂદ્ધ સૂત્રોચ્ચાર અને નારેબાજી લગાવી તાત્કાલિક ધોરણે ફી વધારો પાછો ખેંચવા માંગણી ઉચ્ચારી હતી. જો કે, વાલીઓના જોરદાર હોબાળા અને વિવાદ વકરતાં ગભરાઇ ગયેલા સ્કૂલના સંચાલક ઓફિસ બંધ કરી ભાગ્યા હતા, તો શાળાના ટ્રસ્ટીએ વાલીઓને જવાબ આપવાનું પણ યોગ્ય ગણ્યુ નહોતુ. શાળા દ્વારા જે ફી રૂા.૧૯ હજાર હતી તેને વધારી સીધી જ રૂ.૪૦ હજાર કરવામાં આવી હતી. જેથી રોષે ભરાયેલા વાલીઓએ ફી વધારાનો વિરોધ કર્યો હતો અને આજે શાળા સંકુલમાં ઉગ્ર દેખાવો યોજી ફી વધારો પરત ખેંચવા માગણી કરી હતી. કેટલાક વાલીઓએ આક્રોશ ઠાલવ્યો હતો કે, આટલી કારમી મોંઘવારી વચ્ચે આટલો બધો તોતિંગ અને અસહ્ય ફી વધારો વાલીઓને કેવી રીતે પોષાય. આ લોકોએ શિક્ષણને નફાખોરી રળવાનું સાધન અને વ્યાપારી પ્રવૃત્તિ સમું બનાવી દીધું છે. આવા સમયમાં બાળકોને ભણાવવા કેવી રીતે તે સામાન્ય માણસ માટે સૌથી મોટો અને ગંભીર સવાલ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks