શહેરમાં રખડતા ઢોર પુરવાના ૧૧ ડબ્બા પૈકી એક જ ચાલુ : દસ ડબ્બા બંધ હાલતમાં

અમદાવાદ, તા.૧૪
શહેરમાં રખડતા ઢોર અંગે ગુજરાત હાઈકોર્ટે મ્યુનિ. તંત્રનો કાન આમળ્યો હોવા છતાં રખડતા ઢોરની સમસ્યા જૈસે થૈની હાલતમાં છે ત્યારે ચોંકાવનારી બાબત એ છે કે શહેરમાં એક સમયે મ્યુનિ. સંચાલિત ઢોર પુરવાના ડબ્બાની સંખ્યા ૧૧ હતી જેમાં હાલ દાણીલીમડાનો એક ડબ્બો ચાલુ હાલતમાં છે. જ્યારે નવ ડબ્બા બંધ છે અને ગોમતીપુર હાથીખાઈ સર્કલ પાસેના ડબ્બાની જગ્યાએ કુરતરાના ખસીકરણ અને રસીકરણની કામગીરી ચાલુ છે.
જમાલપુર વોર્ડના મ્યુનિ. કાઉન્સિલર શાહનવાઝ શેખે બજેટ સત્રમાં પૂછેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં મ્યુનિ. દ્વારા જણાવવામાં આવ્યું હતું કે શહેરના છ ઝોનમાંથી છેલ્લા ત્રણ વર્ષમાં કુલ ૩ર,૮પ૩ રખડતા ઢોર પકડવામાં આવ્યા છે. પકડાયેલા ઢોરને એન.જી.ઓ. મારફત રાજ્યના વિવિધ પાંજરાપોળમાં મુકવામાં આવે છે અને ઢોર ડબ્બામાં ઘાસચારા-પાણી તથા સંપૂર્ણ સારસંભાળની વ્યવસ્થા કરવામાં આવે છે. જો કે પકડેલા ઢોરમાંથી કેટલા મૃત્યુ પામ્યા તેની સંખ્યા દર્શાવવાના બદલે મૃત્યુ પામેલા જાનવરોને પેઈલ ડેપોમાં તથા બીમાર જાનવરોને બાકરોલ પાંજરાપોળ ખાતે સારવાર માટે મોકલવામાં આવે છે.
દરમ્યાન આ અંગે મ્યુનિ. કાઉન્સિલરે જણાવ્યું છે કે શહેરમાં રખડતા ઢોરોની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે અને તેના કારણે વારંવાર અકસ્માત તેમજ ટ્રાફિકની ગંભીર સમસ્યા શહેરમાં વધી રહી છે. મોટાભાગના કિસ્સાઓમાં સામાન્ય લોકોને ગંભી ઈજા થાય છે. તેમજ અમુક કિસ્સાઓમાં ઢોર પણ ગંભીર રીતે ઘાયલ થાય છે. આ સમગ્ર બાબતની ગંભીર નોંધ લઈ તાજેતરમાં જ ગુજરાત હાઈોર્ટે મ્યુનિ. કો.ના સત્તાવાળાઓને રખડતા ઢોરની સમસ્યા અટકાવવામાં નિષ્ફળતા મામલે ગંભીર નોંધ તેમજ ઉધડો લીધો છે. સરકાર દ્વારા ગૌચરની જમીન ઉદ્યોગપતિઓને મફતના ભાવે પધરાવી દીધેલ છે. તેમજ શાસક પક્ષના મળતિયાઓએ ગૌચરની જગ્યાઓ ઉપર ગેરકાયદેસર રીતે કબજો જમાવી બેઠા છે. વારંવાર ગાયની વાત કરી રાજકીય રોટલો શેકતી ગુજરાતની ભાજપ સરકાર દ્વારા ગૌચરની જમીનો ઉદ્યોગપતિઓને પધરાવી દીધી અને રખડતા ઢારના ડબ્બા બંધ કરી દેવાયા તે કોના આદેશથી બંધ કરાયા ? શાસક પક્ષ અને ઉચ્ચ અધિકારીઓ રખડતા ઢોર અંગે સક્રિય કામગીરી કરવામાં નિષ્ફળ નિવડ્યા છે. તેમ જણાવી તેમણે બંધ ડબ્બા પુનઃ ચાલુ કરવા માગણી કરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts