અમદાવાદ, તા.૧૩
ગઈકાલે ૧રમી ઓગસ્ટના રોજ ભારતીય સામ્યવાદી પક્ષની રાજ્ય કાઉન્સિલની મીટિંગ મળી હતી જેમાં રાજ્યની રાજકીય પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. રાજ્ય સરકાર જે રીતે સામાજિક કાર્યકરોને કોઈપણ બહાનું બનાવી જે રીતે પરેશાન કરી રહી છે તેના વિષે ચર્ચા વ્યક્ત કરવામાં આવી હતી અને અમદાવાદના છારાનગર વિસ્તારમાં ગયા મહિને એક નજીવી બાબતે પોલીસની પાંચસોની ટુકડી અડધી રાત્રે મારઝૂડ કરી રહી હતી ત્યારે એ વિસ્તારમાં સામાજિક કાર્યકર અને એડવોકેટ આતિશ ઈન્દ્રેકર પોલીસ કાર્યવાહીનો વિરોધ કરતાં પોલીસે તેમની અટકાયત કરી તેમની સામે ખોટી ફરિયાદ કરી હતી. હાલ તેઓ જામીન ઉપર છે. તેમ ભારતીય સામ્યવાદી પક્ષના રાજ્યમંત્રી રાજકુમારસિંહે જણાવ્યું હતું. તેવી જ રીતે એક સામાજિક સંસ્થાના આગેવાન એડવોકેટ શમશાદખાન પઠાણ ર૦૦રના કોમી રમખાણ બાદ પીડિત લોકોની ખૂબ જ મદદ કરી છે. દલિત, પછાત અને ગરીબ ઝૂપડપટ્ટીના લોકોના હકોની લડત કરે છે. તાજેતરમાં તેમની સામે અમદાવાદની ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં અરાજકતાવાદી ગણાવી ખોટી ફરિયાદ દાખલ કરી છે. ભારતીય સામ્યવાદી પક્ષની રાજ્ય કાઉન્સિલ ગુજરાત સરકારને આ બન્ને કાર્યકરો ઉપર થયેલી ખોટી ફરિયાદો રદ કરવાની માગણી કરવામાં આવે છે તેમ એક અખબારી યાદીમાં જણાવાયું હતું.