(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૨
શહેરના અડાજણ પાલનપુર પાટિયા નજીક આવેલી સંસ્કાર ભારતી શાળામાં વાલીઓ અને વિદ્યાર્થીઓની હાલત કફોડી થઇ જવા પામી હતી. એક તરફનો આખો રસ્તો શાકભાજીના ફેરિયાઓએ બ્લોક કરી દેતા માત્ર એક જ ટ્રેક પર સામસામા વાહનોના પગલે જોરદાર ટ્રાફિકજામની પરિસ્થિતિ સર્જાઇ હતી. વાલીઓ પોતાના સંતાનોને વાહનોમાં મૂકવા આવ્યા ત્યારે સ્કૂલથી સેંકડો મીટર દૂર વાહનો જામ થઈ ગયા હતા. તેવા સંજોગોમાં પરીક્ષાર્થીઓએ છેવટે ખાસ્સું અંતર ચાલતાં દોડતાં કાપવું પડ્યું હતું. આજથી બોર્ડની મહત્વની પરીક્ષાઓ શરૂ થઈ છે. શહેરમાં ઠેર-ઠેર દબાણો અને આડેધડ પાર્કિંગના મુદ્દે પરીક્ષાર્થીઓ તેમજ વાલીઓેને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સૌથી સ્ફોટક સ્થિતિ આજે પાલનપુર પાટિયા નજીક આવેલા શાકભાજી માર્કેટના રોડ પર થઈ હતી. સુરત મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના પાપે અહીં શાકભાજીના ફેરિયાઓએ એક તરફનો આખો રસ્તો ઘણા વર્ષોથી બ્લોક કરી દીધો છે. શાકભાજી માર્કેટ બંધાયોલું હોવા છતાં ફેરિયાઓ અને લારીવાળાઓ રસ્તા પર જ વેચાણ કરે છે અને તેમની સંખ્યા પણ એટલી હોય છે કે, આખે આખો રોડ જ બ્લોક થઈ જાય. વાહનો તો ઠીક પગપાળા ચાલવાનું પણ અહીં અઘરૂં થવા લાગ્યું છે ત્યારે આજે બોર્ડની પરીક્ષામાં આ સમસ્યા એક હદ સુધી વકરી ગઈ હતી. સવારે પોતાના બાળકોને પરીક્ષા આપવા માટે વાલીઓ ટુ-વ્હીલ કે ફોર વ્હીલર લઈને આવ્યા હતા. આ જે વિસ્તારમાં રહેતા અને અવર-જવર કરતાં વાલીઓેને તો આ સમસ્યા કદાચ યાદ રહી હશે, પરંતુ જે વિદ્યાર્થી-વાલીઓે પહેલી વખત સંસ્કાર ભારતી સ્કૂલમાં આવવાનું થયું. તેમને ભારે હાલાકી વેઠવી પડી હતી. એક તરફનો આખો રોડ બ્લોક હોઈ બંને તરફનો વાહનવ્યવહાર એક જ રોડ પર ચાલુ રહ્યો હતો. સામસામે મોટી સંખ્યામાં વાહનો આવી જતા કલાકો સુધી ટ્રાફિકજામ થઈ ગયો હતો. તેનું પરિણામ એવું આવ્યું હતું કે, છેક છેડા પર એનક વાહનોમાં પરીક્ષાર્થીઓ અટવાઈ પડ્યા હતા. સમય પર પહોંચવાનું અધરૂં જણાતાં છેલ્લા પરીક્ષાર્થીઓએ સંસ્કાર ભારતી સ્કૂલે ચાલતાં કે દોડતાં પહોંચવું પડ્યં હતું.વાલીઓ પોતાના સંતાનોને પરીક્ષા કેન્દ્ર સુધી મૂકવા પણ જઈ શક્યા ન હતાં. આ વિકરાળ બનેલી સમસ્યા માટે માત્ર અને માત્ર સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસ જ જવાબદાર હોવાનું પ્રાથમિક નજરે જ જણાઈ આવે છે. આ બંને સંસ્થાઓના પાપને પગલે જ પરીક્ષાર્થીઓ અને વાલીઓએ ભારે હાલાકી અને વાલીઓએ ભારે હાલાકી વેઠવી પડી છે અને જો તુરંત તેનું સમાધાન કરવામાં નહીં આવે તો આ સમસ્યા ચાલુ જ રહે તેવું લાગી રહ્યું છે.