(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૨
ખાનગી શાળાઓના સંચાલકો દ્વારા ભણતરના નામે રીતસર લૂંટ ચલાવવામાં આવે છે. ત્યારે અગાઉ અવારનવાર શાળા સંચાલકો અને વાલીએા વચ્ચે થયેલા ઘર્ષણ અને હોબાળા બાદ આખરે મામલો ઉપર લેવલ સુધી પહોંચ્યો હતો. ત્યારે ખાનગી શાળાઓની બે લગામને સરકારે લગામ કસી છે.સરકારી ધારા ધોરણ પ્રમાણે નક્કી કરાયેલી ફી ઉધરાવવા માટે આદેશ આપવામાં આવ્યો છે. જોકે હજુ પણ કેટલીક સ્કૂલના સંચાલકો સરકારના આદેશની ઉપરવટ જઈ બેફામ ફી ઉધરાવી રહી છે.જો તેમના દ્વારા માંગવામાં આવેલી ફી ભરવામાં નહીં આવે તો સ્કૂલમાં નહિ બેસવા દેવાની ધમકીથી માંડી કાઢી મુકવા સુધીની ધમકી ઉચ્ચારવામાં આવી રહી છે. ત્યારે આજે ફરી એકવાર એસડી જૈન સ્કુલ પર વાલીઓએ હોબાળો મચાવ્યો હતો.
વેસુ વિસ્તારમાં આવેલી એસ.ડી.જૈન સ્કૂલ ફરી એકવાર વિવાદના ઘેરામાં આવી છે.સરકાર ખાનગી શાળાઓ માટે ચોક્કસ ફી નક્કી કરી દીધી છે. તેમ છતાં પણ ખાનગી શાળાના સંચાલકો બેફામ ફી ઉધરાવી રહ્યા છે. અને જે પણ લોકો તેમની માંગી ફી ભરવા તૈયાર ન થાય તો તેવા વાલીઓને વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી કાઢી મુકવાની ધમકી આપવામાં આવે છે. આજ રીતે વેસુની એસ ડી જૈન સ્કૂલના સંચાલકોએ પણ બેફામકામગીરી યથાવત રાખી છે. સ્કૂલની ડિમાન્ડ પ્રમાણે ફી નહિ ભરનાર વાલીઓને ગતરોજ સ્કૂલ તરફથી ફોન કરવામાં આવ્યા હતા. અને ટેલિફોન ધમકી આપવામાં આવી હતી કે જે પણ વાલીઓ તેમના વિદ્યાર્થીની ફી નહિ ભરે તો તેવા વિદ્યાર્થીઓનો ધોરણ ૧૦ અને ૧ર ની હોલ ટિકીટ આપવામાં નહી આવે તેવી ધમકીઓ આપવામાં આવી હતી. જેના કારણે વાલીઓ રોષે ભરાયા હતા. સ્કૂલના સંચાલકો તરફથી મળેલી ધમકીના પગલે વાલીઓ આજે સવારે એસડી જૈન સ્કૂલે પહોંચી ગયા હતા અને ભારે હંગામો મચાવ્યો હતો. વાલીઓએ જણાવ્યું હતું કે સરકારી ધારા ધોરણ મુજબ ફી વસુલવામાં આવે અને સરકારી ધારા ધોરણ મુજબ ફી વસુલવામાં આવે અને સરકારી ધારા ધોરણ મુજબ ફી ભરવા માટે અમે તૈયાર છીએ પરંતુ એસ.ડી.જૈન સ્કૂલના સંચાલકો બેફામ ફી ઉઘરાવી રહ્યાં છે. જે અમને મંજૂર નથી. વાલીઓએ જણાવ્યું હતું કે દરેક વાલીને સ્કૂલમાંથી ફોન કરી ધમકી આપવામાં આવી છે. જે અંગે તેઓ કલેક્ટરને ફરિયાદ પણ કરશે તેમ જણાવ્યું હતું. જોકે હવે આગામી દિવસોમાં આ મામલો વધુ ગરમાશે તેવા સંકેત દેખાઇ રહ્યાં હોવાનું જાણવા મળે છે.
કેટલીક શાળાઓએ ફી નહીં ભરનાર વિદ્યાર્થીઓને હોલ ટિકિટ નહીં આપવાનો પરિપત્ર ઈસ્યુ કર્યો
(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૨
રાજ્યની ભાજપ સરકાર દ્વારા ફી નિયમન કાયદાને અમલી બનાવી દેવામાં આવ્યો છે.ત્યારે ભાજપ સરકારના આદેશોને જાણે શહેરની ફાઇવસ્ટાર સ્કૂલોના સંચાલકો ઘોળીને પી ગયા હોય તેવી પ્રતિતિ થાય છે.
જાહેરમાં મોટાભાગની શાળા સંચાલકો ફી નહીં ભરનારા બોર્ડના વિદ્યાર્થીઓને હોલ ટિકિટ નહીં આપવાનો પરિપત્ર ઈસ્યુ કરતા વાલીઓમાં આક્રોશ વ્યાપી ગયો છે. રાયન ઈન્ટરનેશનલ સ્કૂલ, એલ.પી. સવાણી, એસ.ડી. જૈન સહિતની કેટલીક શાળાએ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા નહીં આપવા દેવાનો દમ મારવાનું શરૂ કરી દીધું છે. કેટલીક શાળાએ તો પરિપત્ર ઈસ્યુ કરી ફી નહીં ભરનારા વિદ્યાર્થીને હોલ ટિકિટ નહીં આપવાનું જણાવતા વાલીઓમાં આક્રોશ વ્યાપી ગયો છે. આ અંગે વાલીઓએ ડીઈઓ કચેરીને પણ જાણ કરી હતી. જેને પગલે ડીઈઓ યુ.એન. રાઠોડે આજે કચેરીના હર્ષદભાઈને દોડતા કરી દીધા હતા. હવે જાવાનું એ રહેશે કે ફીના મુદ્દે બોર્ડના વિદ્યાર્થીઓ ઉપર માનસિક ત્રાસ ગુજરાતના શાળા સંચાલકોનો કાન આમળશે કે પછી સરકારી તપાસના નામે ખાનાપૂર્તિ કરશે ?