૧૮ વર્ષીય એથલીટે ૭.૮૪ મીટરના કુદકા સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો; ચાલુ ટુર્નામેન્ટમાં ભારતે ૩ મેડલ સાથે તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું
નવી દિલ્હી, તા.૯
અમેરિકાના યુજીન શહેરમાં આવેલા હેવર્ડ ફિલ્ડ ખાતે યોજાયેલી ‘વર્લ્ડ એથ્લેટિક્સ U-20 વર્લ્ડ ચેમ્પિયનશિપ’માં ૧૮ વર્ષીય ભારતીય એથલીટ શાહનવાઝ ખાને ઈતિહાસ રચી દીધો છે. તેણે શનિવારે લોંગ જમ્પ (લાંબી કૂદ) સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કરીને દેશનું નામ રોશન કર્યું છે. આ સાથે જ શાહનવાઝ આ વૈશ્વિક સ્પર્ધાના ઈતિહાસમાં લોંગ જમ્પ ઈવેન્ટમાં મેડલ જીતનાર સૌપ્રથમ ભારતીય ખેલાડી બની ગયો છે. શાહનવાઝ ખાને ૭.૮૪ મીટરનો કુદકો લગાવીને પોડિયમ પર ત્રીજું સ્થાન મેળવ્યું હતું. આ સ્પર્ધામાં ઈટાલીના ડેનિયલ ઈન્ઝોલીએ ૭.૯૭ મીટરના કુદકા સાથે ગોલ્ડ મેડલ અને ઓસ્ટ્રેલિયાના મેસન મેકગ્રોડરે ૭.૯૬ મીટર સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. નોંધનીય છે કે, સમગ્ર વર્લ્ડ એથ્લેટિક્સમાં લોંગ જમ્પમાં મેડલ જીતનાર તે અંજુ બોબી જ્યોર્જ (૨૦૦૩ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ – બ્રોન્ઝ) પછી માત્ર બીજો ભારતીય અને પ્રથમ પુરુષ એથલીટ બન્યો છે. શાહનવાઝ માટે આ સિઝન અદ્ભુત રહી છે. આ પહેલાં તેણે એશિયન U-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પણ ૭.૮૪ મીટરના કુદકા સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ઉપરાંત, ચાલુ વર્ષે નેશનલ ઈન્ટર-સ્ટેટ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં તેણે ૮.૩૦ મીટરનો તેનો વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ કૂદકો લગાવીને નવો નેશનલ U-20 રેકોર્ડ પણ બનાવ્યો હતો. આ જીત સાથે જ વર્લ્ડ ેં-૨૦ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની ચાલુ આવૃત્તિમાં ભારતના કુલ મેડલની સંખ્યા ૩ પર પહોંચી ગઈ છે, જે ૨૦૨૧ અને ૨૦૨૨ના તેના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનની બરાબરી છે. આ વખતે પ્રથમવાર ભારતના ૩ પુરુષ ખેલાડીઓએ મેડલ મેળવ્યા છે. શાહનવાઝ ઉપરાંત, આશિષ યાદવે જેવલિન થ્રોમાં સિલ્વર મેડલ (નીરજ ચોપરા પછી બીજો ભારતીય) અને બસંત કુમાર મેઘવાલે હાઈ જમ્પમાં સિલ્વર મેડલ (હાઈ જમ્પમાં પ્રથમ ભારતીય) જીતીને ઈતિહાસ રચ્યો છે.