માંગરોળ, તા.૪
જૂનાગઢ જિલ્લાના માંગરોળના નિવૃત્ત શિક્ષક હાજી નુરૂદ્દીન બસીરૂદ્દીન શેખ સાહેબનું ૭૮ વર્ષની વયે ટૂંકી માંદગી બાદ નિધન થતાં માંગરોળ નો શિક્ષિત સમાજ શોકમય બન્યો છે.
શેખ સાહેબના નામે ખ્યાતિ પામેલા એન. બી. શેખનો જન્મ પેટલાદ ખાતે ૧૯૪૩ મા થયો હતો. શિક્ષણ ક્ષેત્રે કોલીફાઈડ થઈ એક સરકારી શિક્ષક તરીકે તેમણે માંગરોળની વિવેકાનંદ વિદ્યાલયમાં નોકરી મેળવી સેવાનો પ્રારંભ કર્યો હતો. વિવેકાનંદ વિદ્યાલયમાં ૭ વર્ષ સુધી સેવા આપ્યા બાદ તેઓએ પાલિકા સંચાલિત કન્યા વિનય મંદિરમાં ૬ વર્ષ સુધી સેવાઓ આપી હતી. ત્યારબાદ માંગરોળમાં ગરીબીના કારણે શૈક્ષણિક ક્ષેત્રે અતિ પછાત ગણાતા મુસ્લિમ સમાજના ઉધ્ધાન માટે મુસ્લિમ સમાજની પ્રથમ હાઈસ્કુલ એમ. એમ. ઈ. ડબલ્યુ હાઈસ્કુલનો પાયો નાખવામાં મોટૂ યોગદાન આપ્યું હતું અને માંગરોળ મુસ્લિમ સમાજની પ્રથમ હાઈસ્કુલમાં વર્ષો સુધી શિક્ષક અને આચાર્ય તરીકે સેવા આપી મુસ્લિમ સમાજમાં શૈક્ષણિક ક્રાંતિ લાવ્યા હતા. તેમના હાથ નીચે ભણેલા અનેક વિદ્યાર્થીઓ આજે ડોકટર, ઈન્જેનિયર, વકીલ, પ્રોફેસર બની સેવા આપી રહ્યા છે. ૧૯૯૪ મા એમ. એમ. ઈ. ડબલ્યુ હાઈસ્કુલ છોડી જુનાગઢ વાલીએ સોરઠ મા આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા. ત્યાથી તેઓ વર્ષ ૨૦૦૦માં વયમર્યાદાને નિવૃત્ત થયા હતા. નિવૃત્ત થયા બાદ તેમણે આદીલ સ્કૂલના નામે પોતાની માધ્યમિક શાળાનો પાયો નાખ્યો હતો. જેમા આજે પણ હજારો વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે. તેઓની આ ફાની દુનિયામાંની વિદાયથી અસંખ્ય વિધાર્થીઓ તેમજ માંગરોળની તમામ સમાજના શિક્ષણ પ્રેમી લોકો શોકમય બન્યા છે. આ અંગે તેમના હાજી નીચે ભણેલ ભૂતપૂર્વ વિદ્યાર્થી એડવોકેટ કાનાભાઈ ચાવડા પોતાના સંસ્મરણો વાગોળતા જણાવે છે કે પાંચ દાયકા થી વધુ સમય સુધી માંગરોળની પાંચ પેઢીને શિક્ષિત કરનાર અંગ્રેજીના શિક્ષક એન.બી. શેખ સાહેબના નિધનથી એક યુગનો અંત થયો છે તેમની શૈક્ષણિક સેવા બદલ માંગરોળ તેમને કાયમ યાદ કરશે એક વિદ્યાર્થી તરીકે મારી કારકિર્દી બનાવવા મા ચાવી રૂપ ભૂમિકા ભજવનાર અને મને એક આદર્શ નાગરિક બનાવવા પોતાની જાત ખર્ચી નાંખનાર મારા આદરણીય ગુરૂ શેખ સાહેબ નો સજ્જન સમાજ કયારેય નહી ભૂલે.