શિક્ષણને ધંધો બનાવનારાનાં ગાલ પર જોરદાર તમાચો ગરીબ તથા વિકલાંગ બાળકોમાં છેલ્લા ૧૮ વર્ષથી વિનામૂલ્યે ભણતર સાથે સંસ્કારોનું સિંચન કરતા નીતિનભાઈ

 

(સંવાદદાતા દ્વારા)
આણંદ,તા.૪
આજે શિક્ષક દિવસે શિક્ષણના ભેખધારી અને પોતાની જાતને છેલ્લા ૧૮ વર્ષથી ગરીબ અને ઝૂંપડપટ્ટીમાં રહેતા પરિવારના બાળકો માટે પોતાની જાત ઘસી નાંખનાર આણંદ નજીક ચિખોદરાના શિક્ષક નીતિનભાઈ પ્રજાપતિની આ વાત છે.
નીતિનભાઈ જેવા પરગજુ શિક્ષકને કારણે ગરીબ બાળકોનો શિક્ષણનો દીપક આજે પ્રજ્વલિત છે તેમ કહેવું જરા પણ ખોટું નથી. નીતિનભાઈ સીધી સાદી રીતે કોઈપણ બાળકને સહેલાઈથી મગજમાં ઉતરી જાય તેવી રીતે ભણાવે છે અને આ બધું તેઓ ગરીબ બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે કરે છે. અમીર અને મધ્યમ વર્ગના પરિવારના બાળકો તો સારી શાળામાં ભણતા હોય છે, પરંતુ આ એવા બાળકો છે જેમને નથી કોઈ ભણાવનાર કે નથી ભણવાનું કહેનાર. આવા બાળકો માટેને જાતે ઊભી કરેલી ખુલ્લી જગ્યામાં નીતિનભાઈ પ્રજાપતિ ભણાવે છે. નીતિનભાઈ કોઈ સરકારી કે ખાનગી ટ્રસ્ટ સંચાલિત શાળાના શિક્ષક તો છે નહિ. એટલે એમને એક પણ પૈસાનું વેતન મળતું નથી. છતાં તેઓ બારેમાસ પોતાની ખુલ્લી શાળામાં ગરીબ અને વંચિત પરિવારોના બહેરાં, મૂંગા, અંધ અને અપંગ બાળકોને પોતાની મૂડીની રકમ ખર્ચીને જાતે ભણાવે છે. તેઓ જાતે સર્જેલી અદભૂત પદ્ધતિ દ્વારા સ્પર્શથી, અનુભૂતિથી અંધ કે બહેરાં-મૂંગા બાળકો સરળતાથી સમજી શકે, ગ્રહણ કરી શકે એ રીતે ભણાવે છે.
નીતિનભાઈ કહે છે કે ગરીબ બાળકો ને ભણતરનો ભાર ન લાગે અને તેઓ સહજ અને સરળ રીતે શિક્ષણ મેળવે તે માટે મે વિવિધ ફળ-ફુલો, શાકભાજી તેમજ વિવિધ આકારના ફ્લેશ કાર્ડ, ચાર્ટ અને ચિત્રોના માધ્યમથી એક સાથે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી શીખવવાનો નવતર અભિનવ પ્રયોગ કર્યો છે. જેના સકારાત્મક પરિણામ મળ્યા છે અને ગરીબ બાળકોને ખુલ્લી શાળામાં અક્ષરજ્ઞાન મેળવી રહ્યા છે. તેઓ અઠવાડિયામાં બે દિવસ તેઓ બાળકોને જ્ઞાન સાથે ગમ્મત અને વિસરાયેલી રમતો પણ રમાડે છે. એટલું જ નહી બાળકોમાં સંસ્કારનું પણ સિંચન કરે છે. ચિખોદરામાં રહેતા નીતિનભાઈ પ્રજાપતિ હાડગુડ તાબેના પાતોડપૂરા, એકતાનગર સ્લમ વિસ્તાર અને ગામડી તાબેના ગામોટપુરાના ગરીબ પરિવારના અંદાજે ૪૦૦ થી વધુ બાળકોને અઠવાડિયામાં બે દિવસ શિક્ષણ આપે છે. તેમના આ સમાજ સેવાના ઉમદા કાર્યને નવાઈની વાત એ છે કે, આ કામગીરી માટે તેઓ કોઈ દાન લેતા નથી. પરંતુ જો કોઈ દાતા મળે તો બાળકો માટે શૈક્ષણિક સાધનો સીધા જ બાળકોને અપાવે છે. નીતિનભાઈ સરકારી શાળાઓ અને આઇ.ટી.આઇના વિદ્યાર્થીઓને પણ અંગ્રેજીનું શિક્ષણ મફત આપે છે. નીતિનભાઇ ગરીબ બાળકોને સોશિયલ ડિસ્ટન્સ અને સાવચેતી-સલામતીના નિયમોના પાલન સાથે બાળકોને શિક્ષણનો સેવાયજ્ઞ ચલાવી રહ્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks