શિગોડા ડેમના પાંચ દરવાજા ખોલાતા નદીમાં ઘોડાપુર : ૧૭ ગામોને એલર્ટ કરાયા

 

(સંવાદદાતા દ્વારા)
કોડીનાર, તા.૧૭
કોડીનાર તાલુકાના જીવાદોરી સમાન ગીર જંગલમાં આવેલ શિંગોડા ડેમ આજે ફરીવાર ઓવરફ્લો થતાં ડેમના ૫ દરવાજા ૨-૨ ફૂટ ખોલવામાં આવતાં કોડીનાર શહેરની મધ્યમાંથી પસાર થતી શિંગોડા નદીમાં ઘોડાપુર આવ્યા હતા.શિંગોડા ડેમ સાઈડમાં ઉપરવાસના ભારે વરસાદના કારણે મોટી માત્રામાં પાણીની આવક સતત થઈ રહી હોવાના કારણે છેલ્લા ૨ દિવસથી ડેમનાં ૨ દરવાજા બે-બે ફૂટ ખોલાયા બાદ આજે સવારથી જ સમયાંતરે વધુ બે દરવાજા ખોલાતા ડેમના ૮ દરવાજા પૈકી ૫ દરવાજા ૨-૨ ફૂટ ખોલવામાં આવતા કોડીનાર શહેરની મધ્યમાંથી પસાર થતી શિંગોડા નદીમાં ઘોડાપૂર આવ્યા હતા. નદીકાંઠાના જામવાળા, છાછર, રોણાજ, ઘાટવડ, કોડીનાર, મૂળદ્વારકા, ગોહિલની ખાણ, ચૌહાણની ખાણ, કંસારીયા, સુગાળા, કરેડા, દુદાણા, નાના ઇચવડ જેવા ૧૭ જેટલા નીચાણવાળા ગ્રામ્ય વિસ્તારોને એલર્ટ કરાયા હોવાનું તેમજ તાલુકા પંચાયત, નગરપાલિકા, સરપંચો, તલાટીઓને વગેરે તંત્ર અને અધિકારીઓને પણ એલર્ટ કરાયા હોવાનું મામલતદારની યાદીમાં જણાવાયું હતું. કોડીનારમાં આજે એક ઇંચ વરસાદ સાથે મૌસમનો કુલ વરસાદ ૪૪ ઇંચ (૧૧૧૦ મીમી) નોંધાયો છે, જ્યારે શિંગોડા ડેમ સાઈડમાં આજના ૩ ઇંચ વરસાદની સાથે મૌસમનો કુલ વરસાદ ૪૭ ઇંચ (૧૧૮૧ મીમી) નોંધાયો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks