શિલજ ખાતેના બંગલામાં આત્મહત્યા, રાજ્યના મહેસૂલ મંત્રી કૌશિક પટેલના ભાઈએ ગળાફાંસો ખાધો

અગમ્ય કારણોસર ગૌતમ પટેલે આત્મહત્યા કરતા ચકચાર : સ્યુસાઈટ નોટ પણ મળી નહીં

અમદાવાદ, તા.૯

ગુજરાત રાજ્યના મહેસૂલ મંત્રી કૌશિક પટેલના મોટાભાઈ ૬૫ વર્ષીય ગૌતમભાઈ પટેલે રવિવારે સવારે તેમના શિલજ ખાતે આવેલા શાલિન બંગલોના ઉપરના માળે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ થતાંની સાથે જ બોપલ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ગૌતમભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સોલાની સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી અને તરત જ આ ઘટનાની તપાસ શરૂ કરી દીધી હતી. આ ઘટના કૌશિકભાઈના શિલજ ખાતે આવેલા બંગલામાં બની હતી. ગૌતમભાઈના નાનાભાઈ કૌશિકભાઇ રાજ્યના મહેસૂલ મંત્રી હોઈ તે પોતે પણ રાજકીય રીતે અનેક સંપર્કો ધરાવતા હતા. જો કે, આ ઘટનાના કારણે ગુજરાતના રાજકીય વર્તુળોમાં ગમગીની છવાઈ ગઈ હતી. ગૌતમભાઈ કેમિકલનો ધંધો કરતા હતા ને તેમના ધંધામાં તેમનો પુત્ર પણ તેમને મદદ કરતો હતો. તેમનો પુત્ર, પુત્રવધુ અને તેમની પત્ની એમ તમામ પરિવારજનો એક સાથે આ બંગલામાં રહેતા હતા આ ઘટના રવિવારે સવારે બની હતી. જ્યારે ઘટના બની ત્યારે તેમના પરિવારના તમામ લોકો ઘરે જ હાજર હતા. ગૌતમભાઈ આજે સવારે બંગલાના ઉપરના માળે ગયા હતા અને મોડે સુધી નીચે ન આવતા તેમના પત્ની તપાસ કરવા ઉપર ગયા અને રૂમનો દરવાજો ખોલીને જોતાં તેમના પત્ની સ્તબ્ધ થઈ ગયા હતા. આ દૃશ્ય જોતાંની સાથે જ તેમણે બૂમાબૂમ કરીને પોતાના પુત્ર અને પુત્રવધુને બોલાવ્યા હતા. અમદાવાદના થલતેજથી આગળ આવેલા શિલજ ગામ જેવા પોશ વિસ્તારમાં શાલિન બંગલો આવેલો છે. અત્યાર સુધી પ્રાપ્ત માહિતીમાં ગૌતમભાઈએ કયા કારણોસર આત્મહત્યા કરી લીધી હતી તે અંગે શું જાણવા મળ્યું નથી. ગૌતમભાઈએ આત્મહત્યા કરી ત્યારે ઘરમાં તેમના પત્ની, પુત્ર અને પુત્રવધુ એમ તમામ પરિવારજનો હાજર હતા. ઘટનાની જાણ થતાં બોપલ પોલીસ તરત જ શાલિન બંગલો ખાતે દોડી આવી હતી અને તપાસ કરી હતી પરંતુ પોલીસને કોઈ ચિઠ્ઠી કે સ્યુસાઇડ નોટ્‌સ મળી આવી નહોતી. આ અંગે અમદાવાદ ગ્રામ્યના ડીવાયએસપી કે.ટી.કામરિયાએ જણાવ્યું હતું કે, ગૌતમ પટેલે પોતાના ઘરે ઉપરના માળે જઈ ગળાફાંસો ખાધો છે. અગમ્ય કારણોસર તેમણે આત્મહત્યા કરી છે. કયા કારણોસર તેમણે આ પગલુભર્યું તે દિશામાં તપાસ જારી છે. મહેસૂલમંત્રીના ભાઈએ આત્મહત્યા કયા કારણોસર અને કયા સંજોગોમાં કરી તે અંગે પોલીસ કેટલે સુધી અને કેટલા પ્રમાણમાં તપાસ કરે છે તેના ઉપર સૌની નજર મંડાયેલી છે.

 

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks