સોનકરને બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં માલવિયા સેન્ટર ફોર પીસ રિસર્ચમાં પીએચડી પ્રવેશ માટેની પરીક્ષામાં બીજો ક્રમ મળ્યો, અહીં સાતમાંથી માત્ર ચાર બેઠકો જ ભરાઈ છે
(એજન્સી) તા.૨૮
બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં એક દલિત વિદ્યાર્થી સામાન્ય શ્રેણીમાં પ્રવેશ પરીક્ષામાં બીજો ક્રમ મેળવવા છતાં પીએચડી પ્રોગ્રામમાં પ્રવેશ ન મળવા બદલ વિરોધ કરી રહ્યો છે. શિવમ સોનકરના પ્રવેશ માટેના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા ત્યારે તે કુલપતિના નિવાસસ્થાનની બહાર ધરણા પર બેઠો હતો, જેમાં વિદ્યાર્થીઓ અને રાજકારણીઓએ પણ તેનું સમર્થન કર્યું હતું. સોનકરે માલવિયા સેન્ટર ફોર પીસ રિસર્ચમાં પીએચડી પ્રવેશ માટેની પરીક્ષા આપી હતી. બીજો ક્રમ મેળવવા છતાં તેને પ્રવેશ મળ્યો ન હતો. વિભાગમાં કુલ સાત બેઠકો છે, પરંતુ ફક્ત ચાર વિદ્યાર્થીઓને જ પ્રવેશ મળ્યો છે.તેણે હવે પૂછ્યું છે કે તેનો વાંક શું છે-તે દલિત છે એટલો જ ?ઉત્તરપ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અજય રાયે, જેઓ સોનકરને ટેકો આપવા માટે કેમ્પસ પહોંચ્યા હતા, તેમણે કહ્યું કે યુનિવર્સિટીશિક્ષણના મંદિર તરીકે સ્થાપિત થઈ હતી, પરંતુ હવે તે ભેદભાવ અને અન્યાયનું કેન્દ્ર બની ગઈ છે. વડાપ્રધાનના મતવિસ્તારમાં આવું થવું ‘શરમજનક’ હતું. યુનિવર્સિટીનો ખુલાસો એ છે કે બેઠકોની સ્થિતિમાં કોઈપણ ફેરફાર પછી ભલે તે અનામત શ્રેણીમાં આવે કે બિનઅનામત શ્રેણીમાં ફક્ત કાઉન્સેલિંગ સત્ર પહેલાં જ કરી શકાય છે. અનામત બેઠકો માટે કોઈ યોગ્ય અરજીઓ ન હોવાથી તે ખાલી રહી છે. સોનકરે સામાન્ય શ્રેણીમાં પરીક્ષા પાસ કરી હોવાથી તેમને સામાન્ય શ્રેણીની બેઠક પર પ્રવેશ આપવો શક્ય ન હતો. સમાજવાદી પાર્ટીના એમએલસી આશુતોષ સિંહાએ પીએમને પત્ર લખીને આરોપ લગાવ્યો છે કે સોનકરની સ્થિતિ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણના માર્ગમાં અવરોધો ઉભા કરવાનું ચિંતાજનક ઉદાહરણ છે. ભીમ આર્મીના વડા અને નગીનાના સાંસદ ચંદ્રશેખર આઝાદે રાજ્યના મુખ્યમંત્રીને સોનકરના કેસની દલીલ કરવા માટે પત્ર લખ્યો છે અને કહ્યું છે કે આ સમગ્ર ઘટનાએ યુનિવર્સિટી દ્વારા અપનાવવામાં આવેલી પ્રવેશ પ્રક્રિયાઓની પારદર્શિતા પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. દરમિયાન, વિદ્યાર્થી સંઘે સોનકરની સ્થિતિનો ઉકેલ નહીં આવે તો આંદોલન શરૂ કરવાની ધમકી આપી છે. વિદ્યાર્થીઓએ અગાઉ કુલપતિનું પુતળું બાળ્યું હતું અને તેમની વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ દરમિયાન, સોનકર બીએચયુના સ્થાપક મદન મોહન માલવિયા, ભીમ રાવ આંબેડકર અને ભગવાન રામના ચિત્રો સાથે ધરણા પર બેઠા છે.