અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયા રાજ્યના પોલીસ વિભાગની કમાન સંભાળશે
અમદાવાદ, તા.૩૧
રાજ્યના ડીજીપી શિવાનંદ ઝા તા.૩૧ જુલાઈએ સેવાનિવૃત્ત થઈ રહ્યા છે. ત્યારે નવા ડીજીપી કોણ ? તેની અટકળો તેજ બની હતી જેમાં સૌથી મોખરે અમદાવાદના પોલીસ કમિશનર આશિષ ભાટિયાનું નામ ચાલતું હતું. ત્યારે શુક્રવારે રાજ્યના ગૃહમંત્રીએ રાજ્યના નવા ડીજીપી તરીકે આશિષ ભાટિયાના નામની ઘોષણા કરતા તમામ અટકળોનો અંત આવી ગયો છે. એટલે કે, હવે રાજ્યના પોલીસ ડિપાર્ટમેન્ટની કમાન હવે આશિષ ભાટિયાના હાથમાં સોંપાઈ છે. રાજ્યમાં હાલના ડીજીપી શિવાનંદ ઝા નિવૃત્ત થવાના હતા. ત્યારે જ કોરોનાની મહામારીને લીધે તેમને એક્સ્ટેન્શન આપવામાં આવ્યું હતું તે ૩૧ જુલાઈએ પૂરૂં થઈ રહ્યું છે ત્યારે રાજ્યના નવા ડીજીપી માટે ત્રણથી ચાર સિનિયર અધિકારીઓના નામ ચર્ચામાં આવ્યા હતા. ત્યારબાદ આજે રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ નવા ડીજીપી તરીકે આશિષ ભાટિયાના નામની જાહેરાત કરી હતી. જો કે, આશિષ ભાટિયા રાજ્યના ૩૮મા ડીજીપી બન્યા છે. રાજ્યના નવા પોલીસ વડા (ડ્ઢય્ઁ) તરીકે અમદાવાદના પોલીસ કમિશનર આશિષ ભાટિયાની પસંદગી થઈ છે. આશિષ ભાટિયા મૂળ હરિયાણાના વતની છે અને તેઓ છેલ્લા ૨૦ વર્ષમાં ગુજરાત પોલીસના અનેક વિભાગોમાં ફરજ બજાવી ચૂક્યા છે. આશિષ ભાટિયા ૧૯૮૫ બેચના આઈપીએસ અધિકારી છે. આશિષ ભાટિયાના નામે ૨૦૦૮ના સિરિયલ બ્લાસ્ટને ઉકેલવાનો શ્રેય જાય છે. આ સિવાય આશિષ ભાટિયા ગુજરાત પોલીસની મહત્ત્વની તમામ પોસ્ટ પર ફરજ બજાવી ચૂક્યા છે. આ સિવાય આશિષ ભાટિયા અમદાવાદ અને સુરત પોલીસ કમિશનર રહી ચૂક્યા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની કમાન પણ સંભાળી ચૂક્યા છે. ભાટિયાને ૨૦૦૧માં પોલીસ મેડલ અને ૨૦૧૧માં રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત થયો છે. આશિષ ભાટિયા ડીજીપી બનતાં અમદાવાદ પોલીસ કમિશનરની જગ્યા ખાલી પડશે જેના પગલે અમદાવાદ પોલીસ કમિશનર પદે સંજય શ્રીવાસ્તવ અને કેશવકુમારના નામો ચર્ચામાં છે. અમદાવાદના પોલીસ કમિશનર બન્યા પહેલાં આશિષ ભાટિયા સીઆઈડી ક્રાઈમના ડીજીપી તરીકે ફરજ નિભાવતા હતા. ત્યારે ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યાના સૌથી ચર્ચાસ્પદ કેસ ઉકેલવાનો શ્રેય પણ આશિષ ભાટિયાને જાય છે. આવતીકાલે આશિષ ભાટિયા રાજ્યના ડીજીપી તરીકેનો ચાર્જ સંભાળશે.