અમદાવાદ, તા. ૧૮
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ નવરાત્રિ વેકેશનની અભ્યાસ પર અસરો મુદ્દે અનેક લોકો દ્વારા વારંવાર ચર્ચાઓ થઈ છે. ખુદ સરકારે પણ એક તરફ શિક્ષણનું સ્તર સુધારવા ‘મિશન વિદ્યા’ અમલમાં મુક્યું છે. જ્યારે બીજી તરફ ‘નવરાત્રિ વેકેશન’ આપ્યું છે. ત્યારે આ ‘વેકેશન’ની અસર વર્ષના શૈક્ષણિક કેલેન્ડર પર પણ જોવા મળી છે. નવરાત્રિનું ૬ દિવસનું વેકેશન જાહેર કરવામાં આવતાં અગાઉનું શૈક્ષણિક કેલેન્ડર રદ કરીને શાળાઓ માટે નવું એકેડેમિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. અગાઉ ૨૪૭ દિવસનું શૈક્ષણિક કાર્ય થવાનું હતું, તે હવે ૨૪૪ દિવસનું થશે, જાહેર રજા ૧૭થી વધીને ૧૯ કરવામાં આવી છે, જ્યારે સ્થાનિક રજાઓ ૭થી ઘટાડીને ૫ કરવામાં આવી છે. બોર્ડે જાહેર કરેલા નવા એકેડેમિક કેલેન્ડર પ્રમાણે વર્ષ દરમિયાન શૈક્ષણિક કાર્યના ૩ દિવસો ઘટ્યા છે. નવા કેલેન્ડર પ્રમાણે પરીક્ષાની તારીખ અને કુલ રજાઓમાં કોઈ ફેરફાર થયો નથી. નવરાત્રિ વેકેશન વખતે પરીક્ષા આવી રહી હોવાથી વેકેશન રદ કરવા માટે માગણી ઉઠી હતી. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના વિસ્તારમાં ૪૦૦ શાળાઓએ નવરાત્રિ વેકેશનનો વિરોધ કર્યો હતો. અગાઉ પ્રથમ સત્રમાં ૧૧૬ દિવસ અને બીજા સત્રમાં ૧૩૧ દિવસનું શૈક્ષણિક કાર્ય થવાનું હતું. તેના બદલે હવે પ્રથમ સત્રમાં ૧૦૯ દિવસ અને બીજા સત્રમાં ૧૩૫ દિવસનું શૈક્ષણિક કાર્ય થશે. તેથી ૨૪૭ના બદલે હવે ૨૪૪ દિવસનું શૈક્ષણિક કાર્ય કરવાનું રહેશે. ૧૦ ઓક્ટોબરથી ૧૭ ઓક્ટોબર સુધી નવરાત્રિ વેકેશન રહેશે. જેમાં બે રવિવાર આવતાં હોવાથી ૬ દિવસનું વેકેશન રહેશે.