હદીસ શરીફમાં ફરમાવવામાં આવ્યું છે કે રમઝાન મહિનામાં શૈતાનોને જકડી લેવામાં આવે છે. અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે શૈતાનો કેદ હોવા છતાં લોકોથી ગુનાઓ કેમ થાય છે ?આના પણ ઉત્તરો છે. જેમ કે અગિયાર મહિનાઓમાં શૈતાન બંદાઓને બહેકાવતો રહે છે. માનવી શૈતાનના પ્રપંચમાં ફસાઈને ગુનાઓ આચતો રહેછે. તે અહીં સુધી કે માનવી ગુનાઓનો આદી બની જાય છે. અને રમઝાનમાં જ્યારે શૈતાન કેદ હોય છે છતાં માનવી પોતાની આદતને કારણે ગુનાઓ કરતો રહે છે.મોટે ભાગે રમઝાનમાં એવા જ લોકોથી ગુનાઓ વધુ પ્રમાણમાં થાય છે, જેઓ રમઝાન સિવાયના દિવસોમાં ગુનાઓ આચરતા રહે છે. કારણ કે એમનો નફસ ગુનાઓ કરવા પર હિંમતવાન બની જાય છે. આથી એ જ નફસ રમઝાનમાં પણ ગુનાઓ આચરવા બહેકાવે છે. હદીસ શરીફ છે કે, જ્યારે કોઈ માણસ ગુનો કરે છેતો એના દિલ ઉપર એક કાળું ટપકું બની જાય છે. જ્યારે બીજો ગુનો કરે છે ત્યારે બીજું ટપકું બની જાય છે. એમ ગુનાઓ ચાલુ રહેતા એનું આખું દિલ કાળું થઈ જાય છે. પરિણામે સારી વાત એના દિલ પર અસર કરતી નથી.હવે, સ્પષ્ટ છે કે જેનું દિલ જ કાટ ખાઈ ગયેલ અને કાળું થઈ ગયું હોય એની ઉપર સારી અને ભલાઈની વાત તેમજ ઉપદેશના કથનોની ક્યાં અસર થશે ? રમઝાન હોય કે રમઝાન સિવાયના દિવસો, આ મનુષ્ય માટે ગુનાઓથી અલિપ્ત અને દૂર રહેવું ઘણું મુશ્કેલ બની જાય છે. એનું દિલ નેકીઓ તરફ ખેંચાતું જ નથી. જો એ નેકી તરફ આવી પણ ગયો તો પણ એનું દિલ એ કાળાશને લીધે નેકીમાં લાગતું નથી. અને એ નેકીઓના વાતાવરણમાંથી નાસી જવાની પેરવીઓ કરે છે. એનો નફસ એને દીર્ધ ઉમ્મીદો (આશાઓ) અપાવે છે. ગફલત એને ઘેરી વળે છે. અને એ કમનસીબ માનવી નેકીઓ તેમજ સારા અને પવિત્ર માહોલથી દૂર જઈ ચડે છે. પવિત્ર રમઝાનની ઘડીઓ બલકે, સમગ્ર રાત્રિઓમાં આવો શખ્સ ખેલ-કૂદ, ફાલતું કાર્યો, રમતો, ગીત-સંગીત, તાશ, શતરંજ વગેરે વિવિધ ગુનાઓમાં વ્યસ્ત રહે છે. અલ્લાહ મને, તમને અને સૌ મુસ્લિમ ભાઈ-બહેનોને પવિત્ર રમઝાનની આમન્યા જાળવવાની અને સદકૃત્યો આચરવાની તૌફિક આપે. આમીન