
(એજન્સી) બગદાદ, તા. ૨
સત્ય માટે કુરબાનીના ઐતિહાસિક મોહર્રમના યૌમે આશુરાના દિવસને વિશ્વભરના લોકોએ શોકમગ્ન થઇને વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. ઇરાકની કરબલાની જમીન પર ઇસવીસન ૬૮૦માં અત્યાચારી યઝીદની શરણે નહીં જવાનો નિર્ણય લેનારા હઝરત ઇમામ હુસૈન (રદી.) અને તેમના ૭૨ જાનિસારોએ ઇસ્લામ માટે મહાન કુરબાની આપી હતી જે દિવસને યૌમે આશુરા તરીકે પણ ઓળખવામાં આવે છે. મોહર્રમ મહિનાની ૧૦મી તારીખે પયગમ્બર મોહંમદ (સ.અ.વ.)ના નવાસા હઝરત ઇમામ હુસૈન (રદી.) સત્ય માટે કુરબાન થયા હતા. આ દિવસે ઇરાકના નજફમાંથી મોટી સંખ્યામાં લોકો કરબલા તરફ પ્રયાણ કરે છે.
રવિવારે ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઇરાન, અઝરબેજાન અને લેબેનોન તથા અન્ય ઘણા દેશોમાંથી લોકો કરબલા પહોંચ્યા હતા જેમાં સત્તાવાર આંકડો ૬ કરોડ ગણાવાયો હતો. ઇરાકના સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે, પવિત્ર શહેરની સુરક્ષા માટે તેમણે મોટી સંખ્યામાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી કારણ કે, અહીં આતંકવાદી હુમલાનો ખતરો વધુ હોય છે. ભૂતકાળમાં પણ દાયેશ અને અન્ય તાકફીરી સંગઠનો દ્વારા કરબલાના યાત્રાળુઓ પર બોમ્બિંગની ઘટના બની ચૂકી છે. ઇરાનમાં પણ લોકોએ સવારથી જ શોકમગ્ન કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. બીજી તરફ અન્ય પંથોના લોકો જેમ કે, કુર્દિસ્તાન, સિસ્તાન અને બલોચિસ્તાનના લોકોએ પણ ન્યાઝ તથા શોકના કાર્યક્રમો રાખી આ દિવસને મનાવ્યો હતો. આશુરા ભાઇચારાનો પણ દિવસ હોવાથી અરબ તથા અન્ય પાડોશી દેશોમાં એકબીજા સાથે બંધુત્વની ભાવનાઓના સંદેશા આપવામાં આવ્યા હતા. શનિવારે પણ હઝરત અબ્બાસ (રદી.)ની શહાદતના દિવસને પણ મનાવાયો હતો જેમાં ઇરાન, પાકિસ્તાન અન યમન જેવા દેશોના લોકો પણ કરબલા પહોંચ્યા હતા. બીજી તરફ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં પણ આશરે ૫૦૦૦ લોકો ભેગા થઇને શોકના કાર્યક્રમો રાખ્યા હતા. લંડનના રૂશોમ્લે અને માન્ચેસ્ટરમાં પણ આ દિવસે મનાવાયો હતો.