(એજન્સી) નવી દિલ્હી, તા.૧૧
પાકિસ્તાન ગુજરાતની ચૂંટણીમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અને મણીશંકર ઐયરના ઘેર પાકિસ્તાની ઉચ્ચાયુક્તની બેઠક મળી હતી તેવા વડાપ્રધાન મોદીના ચોંકાવનાર દાવા પર ભાજપના તેજતર્રાર અને આખાબોલા સાંસદ શત્રુઘ્ન સિંહા મોદી પર નિશાન સાધ્યું. વડાપ્રધાન મોદી પર મોટો હુુમલો કરતાં તેમણે કહ્યું કે ફક્ત ચૂંટણી જીતવા માટે દરરોજ નવી નવી કહાનીઓ લઈને વિપક્ષ પર હુમલો કરવો યોગ્ય નથી. સિંહાએ મોદીને લોકોને ગુજરાત મોડલના વિકાસની વાત કરવાની સલાહ આપી. મણિશંકરના ઐયરના ઘેર થયેલી ડિનર પાર્ટી પર ભાજપે જે રીતે કોંગ્રેસે પર નિશાન સાધ્યું તે અંગે સવાલો ખડાં કર્યાં. સિંહાએ સંખ્યાબંધ ટ્વીટ કરતાં કહ્યું કે આદરણીય પ્રધાનમંત્રીજી, કોઈ પણ રીતે ચૂંટણી જીતવા માટે તમે રાજકીય વિરોધીઓની સામે દરરોજ નીતનવી કહાનીઓ લઈને આવી રહ્યાં છે જે અવિશ્વસનીય છે. હવે ચૂંટણીમાં પાકિસ્તાની ઉચ્ચાયુક્ત અને જનરલને સમાવવામાં આવ્યાં છે. આ અવિશ્વસનીય અને અદ્વભૂત છે. બીજા એક ટ્વીટમાં સિંહાએ લખ્યું કે મહોદય, નવી નવી વાર્તાઓ ઊભી કરીને અને બહાનાબાજી છોડીને સીધા એ મુદ્દા પર વાત કરવી જોઈએ જે વાયદાઓ આપણે લોકોને કર્યાંછે, જેવા કે આવાસ, રોજગાર, આરોગ્ય, સુવિધા, વિકાસ મોડલ,સાંપ્રદાયિકતા ફેલાવનાર વાતાવરણ અટકાવવું અનએ સ્વસ્થ રાજનીતિ અને આરોગ્યની સુવિધા જેવા મુદ્દાઓ ચૂંટણીમાં પાછા લાવવામાં આવે. જય હિન્દ. બોલીવુડ અભિનેતા અને રાજનેતા શત્રુઘ્ન સિંહાએ આ પહેલા પણ ભાજપ અને પીએમ મોદીને લગાતાર નિશાન બનાવતાં આવ્યાં છે. ફરી એક વાર મોદી પર નિશાન સાધતાં તેમણે કહ્યું કે માનનીય, સર, કોઈ પણ રીતે ચૂંટણી જીતવા માટે શું એ જરૂરી છે કે રાજકીય હરીફોની સામે દરરોજ નવી નવી કહાનીઓ કહેવામાં આવે, નકામી અને અવિશ્વસનીય કહાનીઓને ટેકો આપવામાં આવે. હવે તેઓ પાકિસ્તાની ઉચ્ચાયુક્ત અને જનરલ સાથે જોડી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે મોદીએ કોંગ્રેસ પર સૌથી મોટો આક્ષેપ કરતાં દાવો કર્યો કે કોંગ્રેસ નેતા મણિશંકર ઐયરના નિવાસસ્થાને પાકિસ્તાની અધિકારીઓ સાથે ગુપ્ત બેઠક યોજાઈ હતી જેમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ હાજર હતા. પાકિસ્તાન ગુજરાતની ચૂંટણીમા માથું મારી રહ્યું છે. મોદીએ કહ્યું કે મણિશંકર ઐયર શા માટે ગુપ્ત રીતે પાકિસ્તાની ઉચ્ચાયુક્તને મળ્યાં હતા તેનો કોંગ્રેસ ખુલાસો આપે.