લુણાવાડા તા : ૫
લુણાવાડા નગર પાલિકા દ્વારા ટીકીટ વાન્છુઓને શૌચાલયનું પ્રમાણપત્ર આપવામાં ઉઘાડી લુંટ ચલાવાઈ.જ્યારે સરકાર દેશવાસીઓને શૌચાલય બનાવવા સહાય આપે છે ત્યારે નગરપાલિકા દ્વારા પ્રમાણપત્ર આપવાના રૂ।.૫૦૦ પડાવી લેવાતા ઉમેદવારોમાં કચવાટની લાગણી ઉભી થવા પામી છે.
મહીસાગર જિલ્લામાં લુણાવાડા, બાલાસિનોર અને સંતરામપુરની નગરપાલિકામાં ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોએ દાવેદારી નિશ્ચિત કરવા માટે ઘરમાં શૌચાલય બનાવેલ છે તેવું પ્રમાણપત્ર રજુ કરવું પડતું હોય છે. જેમાં લુણાવાડામાં શૌચાલયનું પ્રામાણપત્ર આપવા માટે નગરપાલિકા દ્વારા રૂા.૫૦૦ જેટલી રકમ વસુલી લેવામાં આવે છે. જ્યારે બાલાસિનોર નગરપાલિકા દ્વારા આ પ્રમાણપત્ર આપવા માટે માત્ર રૂા.૫૦ લેવામાં આવે છે અને સંતરામપુરમાં પણ વ્યાજબી રકમ વસુલવામાં આવે છે. એક રાજયની અલગ-અલગ પાલિકાઓ દ્વારા વસુલવામાં આવતા અલગ-અલગ ચાર્જનાં કારણે લુણાવાડા નગરપાલિકાની નિયત સામે અનેક પ્રશ્નાર્થ ઉભા થયા છે.અન્ય પાલિકાથી ૧૦ ગણો ચાર્જ વસૂલવા સામે લુણાવાડા નગર પાલિકાના બદ-ઈરાદા સામે નગરજનોમાં શંકા -કુશંકાઓ સેવાઈ રહી છે .લુણાવાડામાં કુલ ૧૭૨ ઉમેદવારોએ પાલિકાની ચૂંટણીમાં પોતાની દાવેદારી નોંધાવી છે જેના રૂા.૫૦૦ લેખે નગરપાલિકાએ કુલ રૂા.૮૬૦૦૦ વસૂલી લીધા હતા.
લુણાવાડા પાલિકા દ્વારા શૌચાલયનું પ્રમાણપત્ર આપવા માટે રૂ।. ૫૦૦ લેવાતા ગામના માલેતુજાર ઉમેદવારને તો કોઈ વાંધો ના હોય પરંતુ સામાન્ય અને ગરીબ પરિવારમાંથી આવતા માણસે ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા સો વાર વિચાર કરવો પડે તેવું નગરમાં ચર્ચાઇ રહ્યું છે.