• શ્રીનગરમાં મોહર્રમના જુલૂસ પર ટિયરગેસનો મારો, પેલેટ ગન ફાયરિંગ, આશરે ૪૦ જેટલા લોકો ઘવાયા
• જમ્મુ-કાશ્મીરના પેલેટ ગન પીડિતોએ કહ્યું કે, પોલીસે કોઈપણ પ્રકારની ચેતવણી આપ્યા વિના જ પેલેટ ગન ચલાવી
(એજન્સી) તા.૩૦
મોહર્રમના તહેવાર નિમિત્તે તાજિયા સાથે જુલૂસ કાઢનારા સમુદાયના લોકોને વેરવિખેર કરવાના ઉદ્દેશ્ય સાથે શ્રીનગરના બેમિનાર વિસ્તારમાં પોલીસે ટિયરગેસનો મારો ચલાવ્યા બાદ પેલેટ ગન ચલાવી હતી જેના પગલે આશરે ૪૦થી વધુ લોકો ઘવાયા હતા, કાશ્મીરવાલા મીડિયાએ આ દાવો કર્યો હતો. હોસ્પિટલના સૂત્રોએ તથા ઘટનાસ્થળે હાજર લોકોએ જણાવ્યું કે, ૧૨ જેટલા ઘાયલોને પેલેટ ગન વાગી હતી અને તેમાંથી એકને અનેક પેલેટ વાગવાને લીધે તથા તેના ચહેરા ઉપર પણ પેલેટ વાગતાં તેની હાલત અતિ ગંભીર થઈ ચૂકી છે. બીજી બાજુ શાલિમાર વિસ્તારમાં પણ શિયા સમુદાયના લોકોને જ નિશાન બનાવાયા હતા અને પોલીસે અહીં પણ ટિયરગેસનો મારો ચલાવ્યો હતો. તદ્ઉપરાંત ગાવકદલ વિસ્તારમાં પણ મોટી સંખ્યામાં શિયા સમુદાયના લોકો માર્ગો પર ઊતર્યા હતા તેઓએ આ દરમિયાન ઈમામ હુસૈનની યાદમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. ઘટનાસ્થળે હાજર લોકોએ જણાવ્યું કે, પોલીસ અને સુરક્ષાદળો આ બધુ જોતા જ રહી ગયા હતા અને આ દરમિયાન તેઓએ બેમિના અને શાલિમારની જેમ અહીં કોઈ દખલ કરવાનો પ્રયાસ નહોતો કર્યો. ઉલ્લેખનીય છે કે, મોહર્રમ શરીફનો તહેવાર કરબલા શહેરમાં થયેલા યુદ્ધમાં ઈમામે હુસૈન (ર.અ.)ને શહીદ કરવાની યાદમાં મનાવાય છે. તેમની સાથે તેમના ૭૧ સાથીઓ આ યુદ્ધમાં શહીદ થઈ ગયા હતા અને ત્યાંથી જ ઈસ્લામ ધર્મને બુલંદીઓ પ્રાપ્ત થઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે, કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખીને જ શ્રીનગરમાં પણ મોહર્રમના તાજિયા કાઢવા પર પ્રતિબંધ મૂકાયો હતો છતાં શિયા સમુદાયના લોકોએ નિર્દેશનું ઉલ્લંઘન કરતાં તાજિયા સાથે જુલૂસ કાઢ્યું હતું અને આ કારણોસર જ કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. બીજી બાજુ મુદસ્સિર નામના પીડિતે કહ્યું કે, મારી એક આંખ પર પેલેટ ગન વાગી છે. ડૉક્ટરોએ પણ કહી દીધું કે, કદાચ તેની આ આંખ ક્યારેય સાજી થઈ શકશે નહીં તેના જેવા જ અનેક પીડિતો કહી રહ્યાં છે કે, જમ્મુ-કાશ્મીર પોલીસે કોઈપણ પ્રકારની ચેતવણી આપ્યા વિના જ પેલેટ ગન ચલાવી દીધી હતી.