(એજન્સી) નવી દિલ્હી, તા.પ
સુપ્રીમકોર્ટે બીસીસીઆઈને પૂર્વ ક્રિકેટર શ્રીસંત દ્વારા દાખલ થયેલ અપીલનો જવાબ રજૂ કરવા જણાવ્યું છે. શ્રીસંત ઉપર બીસીસીઆઈએ ર૦૧૩ના વર્ષમાં આઈપીએલમાં સ્પોટ-ફિકસિંગના આક્ષેપો બદલ ક્રિકેટ રમવા ઉપર આજીવન પ્રતિબંધ મૂકયો હતો. સુપ્રીમકોર્ટે બીસીસીઆઈને ચાર અઠવાડિયામાં જવાબ દાખલ કરવા જણાવ્યું છે. ગયા અઠવાડિયે શ્રીસંતે કેરળ હાઈકોર્ટના આદેશને પડકારી સુપ્રીમકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. કેરળ હાઈકોર્ટે બીસીસીઆઈ દ્વારા મૂકાયેલ પ્રતિબંધને યોગ્ય ઠરાવી શ્રીસંત ઉપર આજીવન ક્રિકેટ રમવા ઉપર પ્રતિબંધને યોગ્ય ઠરાવ્યો હતો. ર૦૧૩ના વર્ષમાં રાજસ્થાન રોયલ્સ તરફે રમી રહેલ ક્રિકેટર શ્રીસંત ઉપર સ્પોટ ફિકસિંગમાં શંકાસ્પદ ભૂમિકા ભજવવા બદલ બીસીસીઆઈએ પ્રતિબંધ મૂકયો હતો. કેરળ હાઈકોર્ટની સિંગલ જજની બેંચે બીસીસીઆઈ દ્વારા લદાયેલ પ્રતિબંધને રદ કર્યો હતો પણ આદેશને હાઈકોર્ટની ડિવિજન બેંચ સમક્ષ પડકારાયો હતો. ડિવિજન બેંચે બીસીસીઆઈના પ્રતિબંધને યોગ્ય ઠરાવી સિંગલ જજના આદેશને રદ કર્યો હતો. ડિવિઝન બેંચે જણાવ્યું કે, બીસીસીઆઈએ કુદરતી ન્યાયના સિદ્ધાંતોનો ભંગ કર્યો ન હતો.