સંગઠિત ગેહલોત સરકારે રાજસ્થાનનો ‘વિશ્વાસ’ જીત્યો

 

રાજસ્થાન સરકાર દ્વારા ગૃહમાં લવાયેલા વિશ્વાસ પ્રસ્તાવને ધ્વનિમતથી પસાર કરાયો,
સચિન પાયલટનું જૂથ એકસૂરમાં ગેહલોત
સરકારની પડખે રહ્યું, વિધાનસભાની કાર્યવાહી
૨૧મી ઓગસ્ટ સુધી મુલતવી રખાઇ

વિધાનસભામાં વિશ્વાસ મતની જીત એવા લોકોને સંદેશ છે જેઓ દેશમાં ચૂંટાયેલી સરકારોને અસ્થિર કરવાનો પ્રયાસ કરે છે, રાજસ્થાનમાં
તેમની દરેક યુક્તિ નિષ્ફળ નિવડી, આ લોકોનો અમારા પર અતૂટ વિશ્વાસ છે : ગેહલોત

રાજસ્થાન વિધાનસભામાં સરકાર દ્વારા લવાયેલો વિશ્વાસ મત જંગી બહુમતીથી પસાર થયો છે, વિપક્ષના અનેક પ્રયાસો છતાં સરકારની તરફેણમાં પરિણામ, હવે સરકારના સંખ્યાબળ પર પૂર્ણવિરામ મૂકાયું છે, એક રોડમેપ તૈયાર કરાયો છે જેને ટૂંકમાં જ અમલી કરી શકાશે : પાયલટ

(એજન્સી) જયપુર, તા. ૧૪
રાજસ્થાનમાં અશોક ગેહલોતની આગેવાનીવાળી સરકારે વિધાનસભામાં વિશ્વાસનો મત જીતી લીધો છે. ગૃહમાં સરકાર દ્વારા લવાયેલા વિશ્વાસ પ્રસ્તાવને ધ્વનિ મતથી પસાર કરાયો હતો. વિધાનસભા અધ્યક્ષ સીપી જોશીએ ગૃહ દ્વારા મંત્રી પરિષદમાં વિશ્વાસ વ્યક્ત કરવાનો પ્રસ્તાવ સ્વીકાર કરવાની ઘોષણા કરી હતી. ત્યારબાદ સદનની કાર્યવાહી ૨૧મી ઓગસ્ટ સુધી મોકૂફ કરી દેવાઇ હતી. આ પહેલા સરકારના પ્રસ્તાવ પર થયેલી ચર્ચાનો જવાબ આપતા ગેહલોતે વિપક્ષ દ્વારા લગાવાયેલા તમામ આરોપોને ફગાવી દીધા હતા. ગૃહની બહાર પત્રકારો સાથે વાત કરતા સચિન પાયલટે જણાવ્યું કે, સરકાર દ્વારા જે વિશ્વાસ પ્રસ્તાવ લવાયો હતો તે સારી બહુમતીથી પસાર થયો છે. વિપક્ષી પાર્ટી દ્વારા અનેક પ્રયાસો કરાયા છતાં સરકારના પક્ષમાં નિર્ણય આવ્યો છે. કોંગ્રેસ પાસે ૧૦૭ ધારાસભ્યો છે તથા અન્ય અપક્ષો તથા બીજી પાર્ટીઓના સભ્યોનું સમર્થન છે. જ્યારે ભાજપ પાસે કુલ ૭૨ સભ્યો છે. હવે વિધાનસભામાં આગામી છ મહિના સુધી સરકાર વિરૂદ્ધ કે તેના સમર્થનમાં અવિશ્વાસ અથવા વિશ્વાસ પ્રસ્તાવ લાવી શકાશે નહીં. આના કારણે અશોક ગેહલોતને આગામી છ મહિનામાં નારાજ થયેલા ધરાસભ્યો અને ખાસ કરીને સચિન પાયલટની ફરિયાદો દૂર કરવાનો સમય મળશે.
પાયલટે કહ્યું કે, આનાથી તમામ અટકળો પર વિરામ લાગી ગયો છે. જે મુદ્દા ઉઠાવાયા હતા તે તમામ મુદ્દાઓ માટે એક રોડમેપ તૈયાર કરવામાં આવી રહ્યો છે. મને વિશ્વાસ છે કે, રોડમેપને લઇને વહેલી તકે જાહેરાત કરાશે. બેસવાની જગ્યાના વિવાદમાં સચિન પાયલટે જણાવ્યું કે, હું સરકારનો ભાગ હતો પરંતુ હવે નથી. એ મહત્વપૂર્ણ નથી કે કોઇ ક્યાં બેસે છેપરંતુ મહત્વનું એ છે કે, લોકોના માનસમાં શું છે. જ્યાં સુધી બેસવાની બેઠકનો સવાલ છે તો એ બાબત સ્પીકર દ્વારા નક્કી કરવામાં આવે છે અને હું તેના વિશે કાંઇ કહેવા માગતો નથી. આ પહેલા દિવસ દરમિયાન અશોક ગેહલોતે જણાવ્યું હતું કે, વિધાનસભા સત્ર દરમિયાન સત્યનો વિજય થશે. વિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચામાં પ્રતિક્રિયા આપતા ગેહલોતે ભાજપની ટીકા કરી હતી અને તેમની સરકાર તોડી પાડવાના પ્રયાસનો ફરીવાર આરોપ લગાવ્યો હતો.તેમણે કહ્યું કે, તમે બધા જ પ્રયાસ કરી લો પરંતુ હું કોઇપણ કિંમતે આ સરકાર પડવા દઇશ નહીં. વિપક્ષના નેતા ગુલાબચંદ કટારિયા દ્વારા લગાવાયેલા ફોન ટેપિંગના આરોપ અંગે રાજસ્થાનના મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજસ્થાનમાં સાંસદો કે ધારાસભ્યોના ગેરકાયદે રીતે ફોન ટેપ કરવાની પરંપરા નથી અને આવી કોઇ ઘટના બની નથી. વિપક્ષના નેતા ગુલાબચંદ કટારિયાએ રાજ્યની કોંગ્રેસ સરકાર પર પોતાના અંગત કામ માટે ધારાસભ્યો અને સાંસદોના ગેરકાયદે રીતે ફોન ટેપિંગ કરાવવા અને પોલીસનો દુરૂપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે પૂછ્યું શું તમે ફોન ટેપિંગમાં પરવાનગી કે પરવાનગી વિના સામેલ છો ? તેઓ ભલે કહે કે મંજૂરી લેવાઇ છે પરંતુ કોઇ મંજૂરી લેવાઇ નથી. પછી તમે પોલીસનો અંગત કામ માટે ઉપયોગ કર્યો અને પોલીસની શાખ જોખમમા મુકી. તેમણે કહ્યું કે, કોંગ્રેસ પોતાના ઘરની આંતરિક લડાઇનો ઠીકરો ભાજપ પર ફોડવા માગે છે. તમે અમારાથી ઘાયલ થયા નથી. તમે તમારા લોકોથી જ ઘાયલ થયા છો અને ઠીકરો અમારા પર ફોડો છો જે બાબત યોગ્ય નથી. આ પરિસ્થિતિ સાથે ભાજપને કોઇ લેવા દેવા નથી.
દરમિયાન રાજસ્થાનના સંસદીય બાબતોના પ્રધાન શાંતિ ધારિવાલે વિધાનસભામાં વિશ્વાસ મતનો પ્રસ્તાવ મુક્યો હતો. ચર્ચાના પ્રસ્તાવની શરૂઆત કરતા તેમણે આરોપ લગાવ્યો કે, નાણા અને સત્તાનો ઉપયોગ કરીને કેન્દ્ર સરકારે મધ્યપ્રદેશ, કર્ણાટક, મણિપુર અને ગોવામાં સરકારો તોડી અને આવો જ પ્રયાસ રાજસ્થાન સરકાર ઉથલાવવા કરાયો પણ સફળ ના થયું. અકબરનો ઉલ્લેખ કરીને ધારિવાલે કહ્યું કે, મુઘલ શાસકે પોતાનું સામ્રાજ્ય વધારવા મેવાડ પર હુમલો કર્યો પરંતુ હારનો સામનો કરવો પડ્યો હતો. તે જ રીતે અશોક ગેહલોતની સરકાર તોડવાના પ્રયાસમાં ભાજપે હારનો સામનો કરવો પડ્યો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts