એકતા વ્યક્ત કરતા ભારતે કહ્યું કે તે સઉદી અરેબિયાના લોકો અને સરકારની સાથે છે
(એજન્સી) નવી દિલ્હી, તા.૮
ભારતે ગુરુવારે સઉદી અરેબિયાના એરપોટ્ર્સ પર થયેલા હૌથી હુમલાની નિંદા કરી હતી. નાગરિક માળખાગત સુવિધાઓને નિશાન બનાવવાની ઘટનાને ‘સંપૂર્ણપણે અસ્વીકાર્ય’ ગણાવતા ભારતે ભારપૂર્વક કહ્યું કે નવી દિલ્હી રિયાધની સાથે છે. એસોસિએટેડ પ્રેસ (AP)ના અહેવાલ મુજબ, સાઉદી અધિકારીઓને ટાંકીને જણાવાયું છે કે બુધવારે પાડોશી દેશ યમનમાં ઈરાન-સમર્થિત હૌથી બળવાખોરો દ્વારા સઉદી અરેબિયાના એરપોટ્ર્સ પર કરવામાં આવેલા ઓછામાં ઓછા બે હુમલામાં ત્રણ લોકોના મોત થયા હતા. આ ઘટનાક્રમ સાથે સઉદી અરેબિયા ઈરાન સાથેના સંઘર્ષના નવા મોરચે વધુ ઊંડે સુધી ખેંચાઈ ગયું છે. હુમલા અંગે પ્રતિક્રિયા આપતા વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું, “ભારત છેલ્લા કેટલાક દિવસોમાં અભા ઈન્ટરનેશનલ એરપોર્ટ અને રિયાધના કિંગ ખાલિદ ઈન્ટરનેશનલ એરપોર્ટને નિશાન બનાવીને કરવામાં આવેલા હુમલાની નિંદા કરે છે, જેમાં નાગરિકોના મોત થયા છે અને તેઓ ઘાયલ થયા છે.” વિદેશ મંત્રાલયે કહ્યું, “નાગરિક માળખાગત સુવિધાઓને નિશાન બનાવવી સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે.” નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “જેમણે પોતાના સ્વજનોને ગુમાવ્યા છે તે પરિવારો પ્રત્યે અમે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ. અમે ઘાયલોના ઝડપથી સાજા થવાની કામના કરીએ છીએ.” તેમાં ઉમેરવામાં આવ્યું હતું કે, “અમે એકતા વ્યક્ત કરીએ છીએ અને સઉદી અરેબિયાના લોકો અને સરકારની સાથે ઊભા છીએ.” જોકે સઉદી જનરલ ઓથોરિટી ફોર સિવિલ એવિએશને અભા અને રિયાધના કિંગ ખાલિદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર થયેલા હુમલા માટે કોઈ પક્ષને જવાબદાર ઠેરવ્યો ન હતો, પરંતુ હૌથી બળવાખોરોએ અગાઉ એરપોર્ટ પરના હુમલાની જવાબદારી સ્વીકારી હતી. AP અનુસાર, અધિકારીઓએ જણાવ્યું હતું કે અભા એરપોર્ટ પરના હુમલામાં મોરોક્કન અને અલ્જેરિયન નાગરિકોના મોત થયા હતા અને અન્ય ૨૮ લોકો ઘાયલ થયા હતા, જ્યારે કિંગ ખાલિદ એરપોર્ટ પરના હુમલામાં સુદાનના એક નાગરિકનું મોત થયું હતું અને અન્ય આઠ લોકો ઘાયલ થયા હતા.