
(એજન્સી) તા.૭
પવિત્ર રમઝાન મહિનો ચાલી રહ્યો છે ત્યારે દેશ સહિત આખી દુનિયામાં તેની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. આ દરમિયાન એક સારા સમાચાર એ છે કે આ પવિત્ર મહિનાના શરૂઆતના ૨૦ જ દિવસોમાં જ પયગમ્બર (સ.અ.વ.) સાહેબની મસ્જિદમાં મદીના શરીફમાં આશરે ૨ કરોડ લોકોએ મુલાકાત લીધી હતી. તમને જણાવી દઈએ કે મદીના શરીફની આ મસ્જિદ ઈસ્લામ ધર્મ માટે બીજા ક્રમનું સૌથી પવિત્ર સ્થળ ગણાય છે. મક્કા અને મદીના શરીફની આ મસ્જિદોનું સંચાલન કરતી જનરલ ઓથોરિટી ઓફ અફેર્સે અહીં આવેલા તમામ મુલાકાતીઓ અને મુસ્લિમ શ્રદ્ધાળુઓની ખાતિરદારીનું પૂરેપૂરૂં ધ્યાન રાખ્યું હતું. આંકડાઓ અનુસાર પયગમ્બર (સ.અ.વ.) સાહેબના મજારની ૧૬,૪૩,૨૮૮ લોકોએ મુલાકાત લીધી હતી જ્યારે અલ રવદા અલ શરીફાની કુલ ૩,૫૮,૬૩૨ પુરૂષો તથા ૨,૯૬,૫૯૫ મહિલાઓએ આ જ સમયગાળા દરમિયાન મુલાકાત લીધી હતી. આ માહિતી સઉદી અરબની સરકારી ન્યૂઝ એજન્સીએ આપી હતી. ઉલ્લેખનીય છે કે ગત ૧૧ એપ્રિલે પવિત્ર રમઝાન મહિનાની શરૂઆત થઇ હતી. આ દરમિયાન ઉમરાહ કરવા માટે દેશ સહિત દુનિયાભરમાંથી લાખો મુસ્લિમ જાયરીનો મક્કા અને મદીના શરીફ પહોંચ્યા હતા. આ તમામ લોકોએ પવિત્ર મક્કા શરીફ અને મદીના શરીફની મુલાકાત લીધી હતી.