સઉદી એરબેઝ પર ‘સીધો પ્રહાર’ કર્યાનો હૌથી બળવાખોરોનો દાવો

 

યમનના હૌથી બળવાખોરો મેરિબ અને તાઈઝના સરકારી ગઢ તરફ આગળ વધ્યા; પશ્ચિમ એશિયામાં તણાવ વધતાં ઓમાન ખાતે યોજાનારી ગલ્ફ દેશોની મહત્ત્વપૂર્ણ બેઠક રદ

 

(એજન્સી) તા.૧૪
યમનના ઈરાન સમર્થિત હૌથી બળવાખોરોએ સઉદી અરેબિયાના ખામીસ મુશાયત સ્થિત કિંગ ખાલેદ એરબેઝ પર બેલિસ્ટિક મિસાઈલો અને ડ્રોન વડે મોટા પાયે હુમલો કરવાનો અને ‘સીધા પ્રહાર’ કરવાનો દાવો કર્યો છે. આ હુમલા અંગે સઉદી અરેબિયાની સરકાર તરફથી તાત્કાલિક કોઈ અધિકૃત પ્રતિક્રિયા સામે આવી નથી. હૌથી જૂથે વધુમાં જણાવ્યું છે કે તેઓએ દક્ષિણ લાલ સમુદ્રમાં વધુ વ્યૂહાત્મક ટાપુઓ પર કબ્જો કરી લીધો છે, જેનાથી અત્યંત મહત્વપૂર્ણ એવા બાબ અલ-મંદેબ શિપિંગ માર્ગ પર તેમની પકડ વધુ મજબૂત બની છે. આ હુમલાઓના કારણે પશ્ચિમ એશિયામાં આર્થિક અને મુત્સદ્દીગીરીના સ્તરે મોટો આંચકો લાગ્યો છે. હૌથી બળવાખોરો અને ઈરાન સમર્થિત જૂથો દ્વારા વધી રહેલી લશ્કરી હિલચાલને કારણે ઓમાનના સલાલાહ ખાતે સોમવારે પર્શિયન ગલ્ફ દેશો અને ઈરાન વચ્ચે યોજાનારી પ્રાદેશિક બેઠક રદ કરવામાં આવી છે. ગલ્ફ દેશોને આશંકા છે કે ઈરાન એક તરફ શાંતિ વાર્તાની વાત કરી રહ્યું છે અને બીજી તરફ પોતાના પ્રોક્સી જૂથો દ્વારા હુમલા કરાવીને ’બેવડી રમત’ રમી રહ્યું છે. નિષ્ણાતોના મતે, હોર્મુઝની સમુદ્રધૂની અને લાલ સમુદ્રમાં બ્લોકેડના કારણે ગલ્ફ દેશોએ મોટા આર્થિક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે તેમની ૯૦ ટકા જેટલી નિકાસ ખોરવાઈ ગઈ છે. બીજી તરફ, પશ્ચિમ કાંઠા (West Bank)ના કબજા હેઠળના વિસ્તારમાં પણ સ્થિતિ ગંભીર બની રહી છે. રામલ્લાહ નજીકના અલ-જીઝી વિસ્તારમાં ગેરકાયદેસર ઇઝરાયેલી સેટલર્સ (વસાહતીઓ) દ્વારા એક યુવાન પેલેસ્ટાઇની નાગરિક પર હિંસક હુમલો કરીને તેને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરવામાં આવ્યો છે. વેસ્ટ બેંકમાં વધતી વસાહતો અને પેલેસ્ટાઈનીઓ સામે વધી રહેલી હિંસા અંગે ન્યૂઝીલેન્ડના વિદેશ પ્રધાન વિન્સ્ટન પીટર્સે ભારે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે તેમના ઇઝરાયેલી સમકક્ષ ગિબન સાર સાથે વાતચીત દરમિયાન ગેરકાયદેસર ઇઝરાયેલી વસાહતોના વિસ્તરણ અને ગાઝાની વિષમ માનવતાવાદી પરિસ્થિતિ પર સખત વાંધો ઉઠાવ્યો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks