(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૪
પ્રેમ સંબંધમાં પ્રેગનન્ટ બનેલી સગીરાનું ગર્ભપાત કરનાર સુરતના વિવાદાસ્પદ તબીબ રશેસ ગુજરાથીની પોલીસે ધરપકડ કરી લીધી છે.
સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ભૂતપોર ગામે રહેતા અશોક ચીમન રાઠોડ પરણિત હોવા છતાં પલસાણા તાલુકાના સાંકી ગામની એક ૧૭ વર્ષીય સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવી પરિણીત હોવાની વાત છૂપાવી લગ્નની લાલચે અવાર-નવાર શરીર સંબંધ બાંધતા સગીરા ગર્ભવતી બની હતી. ત્યારબાદ સગીરાએ આ અંગે યુવકને જાણ કરતાં યુવકે ભૂતપોર ગામના જયદીપભાઈ તેમજ મહેશભાઇ ફકીરભાઈ પટેલ (મંડપવાળા) સાથે ભેગા મળીને આ સગીરાને બારડોલી ખાતે એક ડોક્ટરને ત્યાં સગીરાને તેના પરિવારની જાણ બહાર લઈ ગયા હતા. ત્યાંથી ડોક્ટરે ચિઠ્ઠી લખી આપી સોનોગ્રાફી માટે સુરત મોકલ્યા હતા. ત્યાં સગીરાને સુરત લઈ જઈ ડૉ.રશેસ ગુજરાથીને ત્યાં તેનો ગર્ભપાત કરાવ્યો હતો અને તાજા જન્મેલા બાળકને બલેશ્વર ખાતે દફનાવી દીધો હતો. જે અંગે સગીરાની માતાએ ઉપરોક્ત ત્રણ આરોપી ઉપરાંત ગર્ભપાતની પ્રક્રિયામાં સંડોવાયેલા સુરતના ગોપીપૂરા ગોવિંદપ્રભા આરોગ્ય કેન્દ્રના ડૉ.રશેસ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પલસાણા પોલીસે આ અંગે ગુનો નોંધાવ્યો હતો આ પ્રકરણમાં પોલીસે સગીરાને ગર્ભવતી બનાવનાર અશોક ચીમન રાઠોડ તેમજ ગર્ભપાતની પ્રક્રિયામાં સંડોવાયેલા સુરતના ગોપીપૂરા ગોવિંદપ્રભા આરોગ્ય કેન્દ્રના ડૉ.રશેસ ગુજરાથીની ધરપકડ કરી હતી આ ગુનાની આગળની તપાસ એસટીએસસી સેલના ડીવાયએસપીને સોંપવાની તજવીજ શરૂ કરી છે.