સરકાર હવે ધારાસભ્યો-અધિકારીઓને જમીનના બદલે આપશે ફ્લેટ : વધુ એક કૌભાંડનો માર્ગ ખુલશે

(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.પ
ગુજરાતની ભાજપ સરકાર સત્તામાં આવ્યા બાદ એક પછી એક વિવાદમાં મૂકાઈ રહી છે. આ સરકાર હવે વધુ એક વિવાદ ઊભો કરવા તરફ આગળ વધી રહી છે. ગાંધીનગરમાં ધારાસભ્યો તથા અધિકારીઓને સરકાર તરફથી આપવામાં આવતા જમીનના પ્લોટ્‌સનો મુદ્દો આગળ જતા ભ્રષ્ટાચાર સાથે વિવાદનો મુદ્દો બને તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. સરકાર પાસે ગાંધીનગરમાં જોઈતા પ્રમાણમાં પ્લોટ્‌સની ફાળવણી કરવા પૂરતી જમીન ઉપલબ્ધ ન હોઈ અને હાલમાં આ પ્રકારના આશરે ર૦૦૦થી વધુ પ્લોટ્‌સ આપવાના થતાં હોઈ સરકાર દ્વારા બિલ્ડર લોબી સાથે બેઠક કરી ફ્લેટ્‌સની સ્કીમ ઊભી કરી પ્લોટ્‌સની જગ્યાએ ફ્લેટ આપવાની દિશામાં ગંભીરતાપૂર્વક આગળ વધવામાં આવી રહ્યું હોવાની વિગતો ઉચ્ચ સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ રહી છે. ફ્લેટ્‌સના નામે બિલ્ડર-લોબી સાથે સેટિંગ કરી કરોડોના ભ્રષ્ટાચારનો રસ્તો તૈયાર કરાઈ રહ્યો હોવાની વાત બહાર આવી છે.
ગાંધીનગરમાં સરકાર દ્વારા ચૂંટાયેલા ધારાસભ્યો સહિતના પ્રતિનિધિઓ તથા અધિકારીઓ વગેરેને જમીનના પ્લોટ્‌સ આપવામાં આવતા હોય છે ત્યારે છેલ્લા ઘણા સમયથી સરકાર દ્વારા આ પ્રકારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા અધિકારીઓ વગેરેને પ્લોટ્‌સ ન અપાતા આ પ્રકારે હાલમાં ર૦૦૦થી વધુ પ્લોટ્‌સ આપવાના થાય છે. સરકાર દ્વારા ૯૦થી ૩૩૦ મીટરના જુદા જુદા ક્ષેત્રફળના જમીનના પ્લોટ્‌સ વિવિધ હોદ્દા ધરાવતા પ્રતિનિધિ-અધિકારીઓને કેટેગરી પ્રમાણે આપવામાં આવે છે. આ પ્લોટ્‌સ આપી ન શકવાના કારણમાં ગાંધીનગરમાં જમીનનો અભાવ હોવાનું દર્શાવાઈ રહ્યું છે. એટલે કે ગાંધીનગરમાં પ્લોટ્‌સની ફાળવણી માટે પૂરતી જમીન ઉપલબ્ધ ન હોવાનું ગાણું સરકાર દ્વારા ગાવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં સરકારના સિનિયર મંત્રી દ્વારા બિલ્ડર લોબી સાથે બેઠક કરી જમીનના પ્લોટ્‌સની જગ્યાએ ફ્લેટ્‌સની સ્કીમ ઊભી કરી દરેકને ફ્લેટ આપવાની દિશામાં આયોજન કરાઈ રહ્યું હોવાની વિગતો ખાસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ છે. સૂત્રો તો એટલે સુધી જણાવી રહ્યા છે કે આ ચોક્કસ બિલ્ડર લોબીએ જ સરકારના મંત્રી સમક્ષ પ્લોટ્‌સને બદલે ફ્લેટ્‌સની સ્કીમ થકી દરેકને ફ્લેટ આપવાનો વિચાર રજૂ કર્યો હતો. આ વિચાર ગમી જતાં સરકાર બિલ્ડર લોબી સાથે ફ્લેટ્‌સની સ્કીમ તૈયાર કરવાની દિશામાં ગંભીરતાથી આગળ વધી રહી હોવાનું જાણવા મળેલ છે. ગત વિધાનસભાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા અમુક તે અગાઉના તેમજ નવી વિધાનસભાના ધારાસભ્યોને પણ જમીનના પ્લોટ્‌સ ફાળવવાના બાકી છે તે ઉપરાંત કેટલાક અધિકારીઓ પણ આ વેઈટિંગ લિસ્ટમાં સામેલ હોઈ તેનો આંકડો ર૦૦૦થી વધુ પ્લોટ્‌સ ઉપર પહોંચી જવા પામ્યો છે. ત્યારે સરકારે જમીનના અભાવે જમીન માટે વધુ જહેમત ઉઠાવવાને બદલે ફ્લેટની સ્કીમ તૈયાર કરી દરેકને ફ્લેટ આપી દેવા એ સમસ્યાના નિકાલની સાથે સરકાર માટે તે સસ્તુ પડે તેવી દલીલ સાથે તે અંગે ગંભીરતાપુર્વક વિચારી સરકાર આગળ વધી રહી છે.
દરમિયાન સરકાર દ્વારા અપાતા કામોમાં મોટા ભાગે ભ્રષ્ટાચારની બૂમો ઉઠતી જ હોય છે, ત્યારે હવે બિલ્ડરને ફ્લેટની સ્કીમ ઊભી કરવા આવી ફ્લેટની ફાળવણી કરવામાં આવે તો તેનાથી પણ વધુ એક ભ્રષ્ટાચારનો માર્ગ ખુલશે તેમ મનાય છે. બિલ્ડર લોબી સાથે સાંઠગાંઠ કરી કરોડોના ભ્રષ્ટાચારનો રસ્તો કાઢવામાં આવી રહ્યો હોવાની શંકા હમણાંથી જ ઉઠવા પામી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks