અમદાવાદ,તા.૧૩
શહેરના સરદારનગર વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા એક પછી એક એમ કુલ ૧૧ બાઇક(મોટરસાયકલ) સળગાવી દેવાતાં સમગ્ર વિસ્તારમાં જબરદસ્ત ચકચાર મચી ગઇ હતી. મોટાભાગના બાઇક તો આગમાં બળીને રાખ થઇ ગયા હતા. સરદારનગર પોલીસે સીસીટીવી ફુટેજના આધારે બાઇક સળગાવનાર આ અસામાજિક તત્વોને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ પ્રકરણમાં પોલીસે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ જરૂરી ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના સરદારનગર વિસ્તારમાં સીતારામ ચોક પાસેના વિસ્તારમાં ગઇ મોડી રાત્રે કડકડતી ઠંડી અને સ્થાનિક લોકોની ગાઢ નિંદ્રાનો લાભ લઇ કેટલાક અસામાજિક તત્વોએ એક પછી એક એમ કુલ ૧૧ બાઇક-વાહનોને સળગાવી દીધા હતા. અસામાજિક તત્વો દ્વારા લગાડાયેલી આગમાં મોટાભાગના વાહનો બળીને રાખ થઇ ગયા છે. વહેલી સવારે સ્થાનિકો જાગ્યા ત્યારે એક સાથે આટલા વાહનો બળીને રાખ થયેલા જોઇને લોકોમાં ઉગ્ર આક્રોશની લાગણી ભભૂકી ઉઠી હતી. સ્થાનિકોએ પોલીસને જાણ કરતાં સરદારનગર પોલીસ સ્ટાફ સાથે તાત્કાલિક ત્યાં દોડી આવી હતી અને સમગ્ર મામલાની તપાસ શરૂ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં અસામાજિક તત્વોએ પેટ્રોલ કે અન્ય કોઇ જવલનશીલ પ્રવાહીની મદદથી બાઇકોને આગ લગાડી હોવાનું જણાય છે. સરદારનગર પોલીસે આ સમગ્ર પ્રકરણમાં સ્થાનિક રહીશોના નિવેદન લઇ તેમની પૂછપરછ પણ હાથ ધરી હતી. બીજીબાજુ, પોલીસે આ વિસ્તારના કેટલાક જાહેરસ્થળો અને રસ્તાઓના સીસીટીવી ફુટેજને તપાસી તેના આધારે અસામાજિક તત્વોને ઝડપી લેવાની અસરકારક તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસ દરમ્યાન સીસીટીવી ફુટેજમાં ત્રણ જુદા જુદા એકટીવા પર જઇ રહેલા ચાર જેટલા યુવકોની ગતિવિધિ અને હિલચાલ કેદ થઇ ગઇ હોઇ પોલીસે આ યુવકોને શોધવાના અને તેમની પૂછપરછના આધારે ગુનાનો ભેદ ઉકેલવાની દિશામાં પણ તપાસ આરંભી છે. ઉલ્લેખનીય છે કે, શહેરના પૂર્વ વિસ્તારમાં અગાઉ પણ આ પ્રકારે રાતના સમયે વાહનોને આગ ચાંપવાના અસામાજિક તત્વોના કરતૂતો સામે આવેલા છે, તેથી સ્થાનિક રહીશોએ માંગણી કરી હતી કે, પોલીસે આવા અસામાજિક તત્વો વિરૂધ્ધ આકરા પગલા લઇ કાયદાનુસાર કાર્યવાહી કરવી જોઇએ. બનાવને લઇને તમામ લોકોમાં આજે ચર્ચા રહી હતી.