સાબરમતી નદીનું વાસણાથી ધોળકા સુધીના વિસ્તારનું પાણી અતિ પ્રદૂષિત

અમદાવાદ, તા.૧૮
અમદાવાદની સાબરમતી નદીમાં ઉદ્યોગો દ્વારા છોડવામાં આવતું પ્રદૂષિત પાણી બંધ કરવામાં નહીં આવે તો ૮ દિવસ બાદ ઉગ્ર આંદોલન કરવાની અને હાઈકોર્ટના દ્વાર ખટખટાવવાની ફરજ પડશે તેવી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા બદરૂદ્દીન શેખે ગુજરાત રાજ્ય પ્રદૂષણ કંટ્રોલ બોર્ડને લખેલા પત્રમાં ચીમકી ઉચ્ચારી છે. તેમણે પત્રમાં વધુમાં જણાવ્યું છે કે, અમદાવાદ જિલ્લાની સાબરમતી નદીમાં નરોડા, વટવા, નારોલ, પીપળજની ફેક્ટરીઓનું ટ્રીટમેન્ટ કર્યા વગરનું ઝેરી કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે તેમજ અમદાવાદ મ્યુનિ. કોર્પો.ના ચંદ્રભાગા, ડફનાળા, ટોરેન્ટ પાવર નજીક, વલ્લભસદન, આંબેડકર બ્રિજ, એલિસબ્રિજ, ગાંધીબ્રિજ અને રામ-રહીમનો ટેકરો જેવી જગ્યાઓ ગટરના ગંદા પાણીના નાળા દ્વારા નદીમાં પાણી છોડવામાં આવે છે. જેથી નદીનું પાણી ઝેરીલું બને છે અને તેના લીધે જુહાપુરા, સરખેજ, નરીમાનપુર, ગ્યાસપુર, પીપળજથી ધોળકા સુધીના વિસ્તારનું ગ્રાઉન્ડ વોટર પણ ઝેરીલું બની ગયું છે. પ્રદૂષિત પાણી ખેતરોમાં જાય છે. તેમાં અનાજ અને શાકભાજી પકવે છે. પ્રદૂષિત પાણી દ્વારા પકાવવામાં આવતા અનાજ અને શાકભાજી શહેરના લોકો આરોગે છે. પશુ પ્રદૂષિત પાણી પીવે છે. દૂધ શહેરી લોકો ઉપયોગમાં લે છે. પ્રદૂષિત પાણીના કારણે ઘણા ઢોર મૃત્યુ પામ્યા છે.
જો આ ઝેરીલું અને ગંદુ પાણી નદીમાં છોડાતું તાત્કાલિક બંધ નહીં કરવામાં આવે તો તેના લીધે ખૂબ જ મોટી બીમારીઓની મહામારી ફેલાઈ શકે તેમ છે. આ બાબતની જાણકારી આ અગાઉ ર૬ માર્ચ ર૦૧૮ના રોજ ઈમેલ દ્વારા પણ કરવામાં આવેલ હતી. જેમાં આજદિન સુધી કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવેલ હોય તેવું જણાવી આવતું નથી. બદરૂદ્દીન શેખે વધુમાં માંગ કરી છે કે, વોટર (પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન) એક્ટ ૧૯૭૪ની કલમ ર૩ મુજબ નિરીક્ષણ કરીને અને કલમ ર૪ મુજબ તેના ઉપર પ્રતિબંધ લગાવવામાં આવે, કલમ ૩૩ મુજબ કોર્ટમાં યોગ્ય પગલાં લેવા માટે કામગીરી કરવામાં આવે, એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ ૧૯૮૬ની કલમ ૧૯ મુજબ ઝેરી પાણી છોડાતા ઉદ્યોગોને બંધ કરવામાં આવે અને યોગ્ય લાગે તેવા અન્ય કોઈ કાયદાકીય પગલાં લેવામાં આવે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks