
(એજન્સી) સિંગાપોર, તા.૨૭
સિંગાપોરમાં ઇઝરાયેલના દૂતાવાસ દ્વારા એક ‘સંવેદનશીલ’ પોસ્ટ કે જેણે પવિત્ર કુર્આનને ટાંકીને રાજકીય મુદ્દો બનાવવાનો પ્રયાસ કર્યો હતો તે સિંગાપોરની સરકાર દ્વારા હસ્તક્ષેપ પછી દૂર કરવામાં આવી હતી. સિંગાપોરની સરકારે ઈઝરાયેલની એમ્બેસીને ફેસબૂક પરથી તેની આ પોસ્ટ ડિલીટ કરવા મજબૂર કરી દીધું હતું. ફેસબૂક પેજ પર આ પોસ્ટ ૨૪ માર્ચે કરવામાં આવી હતી. કાયદા અને ગૃહ બાબતોના મંત્રી કે. શનમુગમે તેને ‘ઇતિહાસને ફરીથી લખવાનો આશ્ચર્યજનક પ્રયાસ’ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે, પોસ્ટ ‘સંવેદનહીન,’ ‘અયોગ્ય’ અને ‘સંપૂર્ણપણે અસ્વીકાર્ય’ હતી કારણ કે, તે સલામતી, સુરક્ષા અને સંવાદિતાને નબળી પાડવાનું જોખમનો આભાસ કરાવતી હતી. આ ખરેખર આશ્ચર્યજનક છે અને મેં તેના વિશે પહેલા જ કહી દીધું હતું. તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં આ ટિપ્પણી કરી હતી અને ગૃહ મંત્રાલયએ ગઈકાલે વિદેશી બાબતોના મંત્રાલય સાથે વાત કરી અને કહ્યું કે, ફેસબૂક દૂતાવાસ તરત જ આ પોસ્ટ હટાવી લે. ત્યારબાદ ઈઝરાયલી એમ્બેસી આ કામ કરવા મજબૂર થયું હતું. અગાઉ ૨૫ માર્ચે વિદેશપ્રધાન વિવિયન બાલક્રિષ્નને પણ પોસ્ટ પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે, રાજકીય મુદ્દાઓ બનાવવા માટે પવિત્ર ગ્રંથોનો આશરો લેવો ખૂબ જ અયોગ્ય અને શરમજનક બાબત છે. અમે દૂતાવાસને આ સ્પષ્ટ કર્યું છે જેના પછી તેણે આ પોસ્ટને હટાવી દીધી છે. ડૉ.બાલકૃષ્ણને મધ્ય-પૂર્વના તેમના પ્રવાસથી પાછા ફરતી વખતે આ ટિપ્પણી કરી હતી. જ્યાં તેમણે ઈઝરાયેલ અને પેલેસ્ટીની પ્રદેશોની મુલાકાત લીધી હતી.